- વર્ષ 2019 માં ભુજ તાલુકામાં મોબાઈલ બન્યો હતો મોતનું કારણ
- પત્નીના હાથમાંથી મોબાઈલ પડી જવાથી પતિએ જીવતી સળગાવી હતી
- 2 વર્ષ જૂના હત્યા કેસમાં જિલ્લા અદાલતે પતિને આજીવન કેદની સજા ફટકારી
ભુજ: ફ્રીઝ પર રાખેલો ફોન ભુલથી પડી જવા બદલ પત્નીને જીવતી સળગાવી દેનાર પતિને ભુજ સેશન્સ કોર્ટે (Bhuj Sessions Court) આજીવન કેદની સજા (life imprisonment) ફટકારી છે. આ કેસની વધુ વિગત મુજબ વર્ષ 2019 માં ભુજ તાલુકાના ભારાપર ખાતે રહેતા આમદ ઓસમાણ કુંભારે પત્નીને ફ્રીજ ઉપર મુકેલો મોબાઈલ ફોન લઈ આવવા કહેતા પત્ની શરીફાબાઈના હાથમાંથી ફોન પડીને સ્વીચ ઓફ થઇ જતા પતિએ ઉશ્કેરાય જતા ગાળાગાળી કરી અને તેની પત્નીનેે માર માર્યો હતો. આ બાદ માથે કેરોસીન નાખીને તેને સળગાવી હતી. શરીફાબાઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આરોપીને આજીવન કેદની સજા અને 15,000નો દંડ
જિલ્લા અદાલતમાં થયેલી સુનાવણીમાં ન્યાયાધીશે બંને પક્ષની દલીલો ઉપરાંત 12 સાક્ષીઓ અને 25 દસ્તાવેજી પુરાવા તપાસી આરોપી આમદ ઓસમાણ કુંભારને હત્યા માટે જવાબદાર ઠેરવ્યો હતો. આરોપીને હત્યાની કલમ 302 માટે આજીવન કેદની સજા તથા 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કલમ 498 માટે બે વર્ષની કેદ અને 5000 રૂપિયાનો દંડ ગાળાગાળી બદલ કલમ 504 માટે 6 માસની કેદ અને 2000 રૂપિયાનો દંડ પણ ચુકાદામાં કરવામાં આવ્યો હતો.
સરકારી અને ફરિયાદ પક્ષના વકીલોએ કરી હતી દલીલ
આ સમગ્ર હત્યા કેસમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ ડી.જે. ઠક્કર તથા કેસના ફરિયાદ પક્ષ વતી વિપુલ ડી. કનૈયા, હેમાલી પરમાર અને મહેશ સીજુએ હાજર રહીને દલીલો કરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સગીર પ્રેમિકાની હત્યા કરનાર આરોપી ઝડપાયો