મહિનાના દર ત્રીજા શનિવારે નિયમીત મળતી આ બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઇ હતી. જેમાં પદાધિકારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆતના નિકાલ માટે સંબંધિત અધિકારીઓને ઉપસ્થિત રાખીને પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરીને તેનો નિકાલ કરાયો હતો.
આજની આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહજી સોઢાએ કચ્છ જિલ્લામાં કેટલા ગામોને રેવન્યુ વિલેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે પ્રશ્ન પૂછી બાકીના ગામોનો ક્યારે સમાવેશ કરવામાં આવશે તે અંગે પ્રશ્ન પૂછી સરકારની યોજનાઓ સરળતાથી તેમના સુધી પહોંચાડી શકાય તે માટે ચિંતા વ્યક્ત કરી હતી. માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ માંડવી તાલુકાના મેરાઉ, દુર્ગાપુર, મોટી રાયણ, મોટી ખાખર, મોટી ભુજપુર, મોટા કાંડાગરામાં ખેડૂતોને કચ્છ નર્મદા શાખા નહેરના જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવા અને સંપાદનમાં આવતા ફળાઉ ઝાડનું યોગ્ય વળતર આપવા વિશેષ રજૂઆતો કરી હતી.
આ ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાઓમાં કયાં સ્થળે કેટલા રૂપિયાના ખર્ચે તળાવો, ચેકડેમ કે હવેળા બનાવવામાં આવ્યા તે અંગે વિતગોની રજૂઆત કરી હતી. વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં કેટલા અને કઇ જાતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું? કેટલા વૃક્ષોનું રિપ્લાન્ટીંગ કરાયું, પવનચક્કી, ઇલેક્ટ્રીક ટાવર તેમજ ઉદ્યોગો દ્વારા કરાયેલા વૃક્ષોના નિકંદન અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.