ઉનાળાની શરૂઆતના દિવસોમાં જ પીવાના પાણીની કારમી તંગી ઉભી થઇ રહી હોવાના અહેવાલો મળી રહયા છે. જૂનાગઢ શહેરના હાર્દ સમા વિસ્તાર એવા જાંજરડા રોડમાં છેલ્લા 1 અઠવાડિયાથી પીવાનું પાણી નહિ આવતા મહિલાઓએ આજે મનપા કચેરીમાં જઈને હલ્લાબોલ કર્યો હતો. ઉનાળાની શરૂઆત થવાની સાથે જ પીવાના પાણીના પોકારો ઉઠી રહયા છે. આ બતાવે છે કે, આગામી 2 મહિના વધુ આકરા બની જશે.
શહેરના વધુ કેટલાક વિસ્તારો પીવાના પાણીને લઈને સંકટનો સામનો કરી રહયા છે, તેવામાં તે વિસ્તારના લોકોનો રોષ પણ બહાર આવી શકે તેવી શક્યતાઓ છે. જૂનાગઢ મનપા પાસે પીવાના પાણીનો મર્યાદિત સોર્સ છે. ઉનાળા દરમિયાન પાણીની જરૂરિયાતમાં વધારો થઇ શકે છે, ત્યારે આગામી દિવસોમાં આવા આંદોલન વધુ આક્રમક બની શકે છે.