જૂનાગઢ : સેવ ટમેટાનું શાક આજે પણ સ્વાદના રસિકો માટે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો માટે વિશેષ બની રહે છે. મોટાભાગના તમામ નાના-મોટા રેસ્ટોરન્ટમાં બપોરના સમયે કે સાંજે સેવ ટમેટાનું શાક ગુજરાતી થાળીમાં ચોક્કસપણે હાજર જોવા મળે છે. પરંતુ પાછલા કેટલાક દિવસો દરમિયાન ટમેટાના બજાર ભાવો સતત વધી રહ્યા છે અને 200 રુપિયાની આસપાસ પ્રતિ કિલોના ભાવ સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. એવા સમયે રેસ્ટોરન્ટ અને હોટલોમાંથી ધીમે ધીમે આ શાક દૂર થઈ રહ્યું છે. પરંતુ જૂનાગઢમાં પાછલા 25 વર્ષથી સરદાર બાગ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટમાં આજે પણ સેવ ટમેટાનું શાક ગુજરાતી થાળીમાં હાજરી પુરાવે છે જે સ્વાદના શોખીનો માટે રાહતના સમાચાર છે.
આટલી મોંઘવારીની વચ્ચે સેવ ટામેટાનું શાક પનીરનો અહેસાસ કરાવે છે. વધુમાં રેસ્ટોરન્ટમાં આજે પણ સેવ ટમેટાનું શાક મળી રહ્યું છે જે અન્ય રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી દૂર થયું છે. જેને કારણે પણ અહીં ભોજન માટે આવી રહ્યાં છીએ...હરેશભાઇ(ગ્રાહક)
ટમેટાના ભાવમાં વધારો : ટમેટાના સતત ભાવ વધી રહ્યા છે તેમ છતાં સેવ ટમેટાનું શાક આજે પણ ગુજરાતી થાળીમાં તેના સ્વાદ અને કલર સાથે જોવા મળે છે. 25 વર્ષથી સેવ ટમેટાના શાકને લઈને વિશેષ ઓળખ ઉભી કરનાર રેસ્ટોરન્ટ સંચાલક રામજીભાઈએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.
અમારી ઓળખ સેવ ટમેટાના શાકથી બની છે. એકમાત્ર ગુજરાતી થાળીમાં સેવ ટમેટાનું શાક આગ્રહપૂર્વક ગ્રાહકોને પીરસવામાં આવી રહ્યું છે. ટમેટાના બજાર ભાવ ગમે તેટલા હોય ગુજરાતી થાળીમાં સેવ ટમેટાની જગ્યા આજે પણ જોવા મળે છે. જ્યાં સુધી રેસ્ટોરન્ટનું અસ્તિત્વ જોવા મળશે ત્યાં સુધી દિવસમાં પીરસવામાં આવતી ગુજરાતી થાળીમાં સેવ ટામેટાનું શાક ચોક્કસપણે હાજર જોવા મળશે. વધુમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે બજાર ભાવ વધી રહ્યા છે પરંતુ આજે પણ ગુજરાતી થાળીનો ભાવ 60 રૂપિયા રાખવામાં આવ્યો છે...રામજીભાઈ(રેસ્ટોરન્ટ સંચાલક)
25 વર્ષથી સેવ ટામેટાનું શાક વિશેષ ઓળખ : પાછલા 25 વર્ષથી જૂનાગઢના સરદારબાગ વિસ્તારમાં આવેલી આ રેસ્ટોરન્ટ એકમાત્ર સેવ ટમેટાના શાકને લઈને વિશેષ ઓળખ ધરાવે છે. ત્યારથી લઈને આજ દિન સુધી પ્રતિ દિવસે બપોર અથવા સાંજના ભોજનમાં સેવ ટમેટાનું શાક ચોક્કસ રાખવામાં આવે છે. જેને કારણે જલારામ રેસ્ટોરન્ટની એક વિશેષ ઓળખ પણ ઊભી થઈ છે. જેને કારણે સેવ ટમેટાના શાકના શોખીન ગ્રાહકો આજે પણ ભોજન માટે આવી રહ્યા છે.