છેલ્લા 15 દિવસથી જૂનાગઢમાં મગફળી કાંડનું ભૂત ધૂણી રહ્યું છે અને સતત બે વર્ષથી આ પ્રકારના કૌભાંડ સામે આવી રહ્યાં છે. ત્યારે આજે સમગ્ર કૌભાંડને લઈને પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સમગ્ર મામલામાં ઉચ્ચ અને ન્યાયી તપાસ થાય તેવી માગ કરી હતી.
સરકાર દ્વારા તપાસના નામે મીંડુ વાળી દેવાયું હોવાના આક્ષેપ કરી નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી માગી છે. આવેદન સુપ્રત કરતા સમયે કોંગ્રેસ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયા ઉપસ્થિત રહ્યાં હતા.
હાલ આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે, ત્યારે સોમવારે પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જિલ્લા કલેકટર જૂનાગઢને આવેદનપત્ર પાઠવીને સમગ્ર મામલાની યોગ્ય અને ન્યાયિક તપાસ થાય તેવી આવેદનપત્ર મારફતે માગ કરી હતી.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ત્રણ જેટલા શખ્સોને મગફળીમાં ભેળસેળ અને અયોગ્ય મગફળી ખરીદ કરવા માટે પોલીસે બે દિવસ અગાઉ 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે. પરંતુ માત્ર 156 ગુણી મગફળીમાં ભેળસેળ થઇ હોય તેવું કિસાન કોંગ્રેસ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના અગ્રણીઓ સમગ્ર મામલાને લઈને શંકા પ્રેરિત કરે તેવું માની રહ્યાં છે.
સોમવારે જૂનાગઢ અને વિસાવદરના ધારાસભ્યએ પણ જૂનાગઢ જિલ્લાના તમામ મગફળી ખરીદ કેન્દ્રોની તપાસ થાય અને સમગ્ર ખરીદ પ્રક્રિયા દરમિયાન સીસીટીવી ફૂટેજ આપવામાં આવે તો મગફળીની ખરીદીમાં મસમોટું કૌભાંડ હોઈ શકે છે, તેવી હકીકત પણ બહાર આવી શકે તેવો રાજ્ય સરકાર પર સનસનીખેજ આક્ષેપ કર્યો હતો.