જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા 15 વોર્ડના 60 ઉમેદવારોનું લિસ્ટ આજે જાહેર કર્યુ હતું. જેમાં કેટલાક સિનિયર કોર્પોરેટરનું પત્તુ કાપી નાખવામાં આવ્યું હતું, 50 ટકા મહિલા અનામતના કારણે મહિલા કાર્યકરોને લોટરી લાગી હતી. ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરુને અને શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણીને વોર્ડ 11 માંથી ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
વર્તમાન મેયર આધ્યાશક્તિબેન મજમૂદારનો વોર્ડ બદલીને તેમને 14 નંબરના વોર્ડમાંથી ચૂંટણીમાં ઉતારાયાં છે. અગ્રણી બિલ્ડર ધીરુભાઈ ગોહીલ વોર્ડ નં 9 માંથી ચૂંટણી લડશે. આ ચૂંટણીમો તેઓ મેયર પદ માટે મજબૂત દાવેદાર હોવાનું રાજકીય લોકો કહી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા કોર્પોરેટર અબ્બાસ કુરેશીને ભાજપે ટીકિટ આપી છે. આ ઉપરાંત ભાજપે ભુપત શેઠિયા, નિર્ભય પુરોહિત, ચંદ્રિકાબેન રાખસીયા, શૈલેષ દવે, પ્રીતિબેન સાંગાણી, જયાબેન ઝાલા સહીત 10 જેટલા નગરસેવકોનું પત્તુ કાપીને તેમની જગ્યાએ નવા ઉમેદવારને જાહેર કર્યા છે. કેટલાક કાઉન્સિલરોની પત્નીને આ વખતે ટીકિટ આપીને અસંતોષને શાંત કરાયો છે.