મુક્ત થયેલા માછીમારો લોકશાહીના પર્વ પર મતદાન કરી શકશે, સાથે હજુ 255 માછીમારો પણ ટૂંક સમયમાં આવી પહોંચશે. બાકી માછીમારોના પરિવારો ચાતક નજરે તેમની રાહ જોઈ રહ્યાં છે. પોતાની ખુશી વ્યક્ત કરતા એક માછીમાર જણાવે છે કે, "અમે પોરબંદરથી જલ મંદિર બોટમાં માછીમારી કરતા હતા, જ્યારે પાકિસ્તાન નેવીએ ઝડપ્યા હતા. અમને ત્યાંથી કરાંચીની લાંડી જેલમાં રાખવામાં આવ્યા હતા. હું 17 માસથી જેલમાં હતો. હજુ પણ 400થી વધુ માછીમારો ત્યાં છે.
પાકિસ્તાનના સ્થાનિકોએ જેલમાં અમને જણાવ્યું હતું કે, હવે પાકિસ્તાનના માછીમારો જે ભારતની જેલમાં છે, તેમને મુક્ત કરાય તેવી તેમણે વિનંતી કરી છે. માછીમારોની મુક્તિ અને તેમના પરિવાર સાથેના મિલનથી ફિશરીશ વિભાગ પણ ખુશ છે અને કહે છે કે, "આજે પાકિસ્તાનથી 355 પૈકીના 100 માછીમારો પરત આવ્યા છે અને તેમના પરિવારોને સોંપાયા છે, તેથી ઉત્સવ જેવો માહોલ છે. સૌના ચહેરા પર ખુશીના આંસુ છે. હજુ 255 માછીમારો પણ ટૂંક સમયમાં આવશે અને તેમને પણ તેમના પરિવારોને સોંપાશે. આજે દેશમાં લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે આ મુક્ત માછીમારો પણ મતદાન કરી શકશે.