પ્રાપ્ત માહિતી મુજબ દહેગામ તાલુકાના વટવા ગામના બુધાજી પરમાર પાસેથી 4 કિલો 800 ગ્રામ ગાંજો SOG દ્વારા પકડવામાં આવેલ છે. ઘરમાં રાખેલા આ ગાંજાની મહેક છેક ગાંધીનગર SOG સુધી પહોંચી ગઈ પણ દહેગામ પોલીસને ગાંજાની મહેક પણ આવી ન હતી.
વહેલી સવારે જ બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડી ગાંજાના આ જથ્થાને પકડી પાડવામાં આવ્યો હતો. જે દિવસ દરમિયાન તપાસનો દોર શરૂ રહ્યો હતો અને ત્યાર બાદ મોડી રાત્રે આ સંદર્ભે દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પૂર્ણ થવા પામી હતી. પોલીસ બેડામાં થતી ચર્ચા અનુસાર દહેગામ નોકરી કરી અને ગયેલા એક કર્મચારી દ્વારા જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
દહેગામ શહેરમાં કોઈ પણ બે નંબરનો ધંધો શરૂ કરતાં પહેલા પરમિશન લેવી ફરજિયાત છે. જો પરમિશન લીધા વગર બારોબાર કામ શરૂ કરવામાં આવ્યું તો ત્યાં રેડ કરી અને અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની પીઠ થાબડતા જરા પણ વાર લગાડતા નથી. થોડા મહિનાઓ પહેલા દહેગામ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય ગાંજા સાથે ઝડપાયા હતા. ત્યારે, દહેગામ સેન્ટર ગાજા સહિતના નશીલા દ્રવ્યો માટે ફેમસ બનતું જઈ રહ્યું છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જ સરકારના કાયદાના લીરેલીરા ઉડાવી બે નંબરના ધંધા કરી રહ્યા છે.