વર્ષાઋતુના આગમન સાથે પકૃતિ સોળે કળાએ ખીલતા આદિવાસી પરિવારો આનંદ ઉલ્લાસભેર ખેતી કામોમાં જોતરાઈ જતા હોય છે. ચોમાસુ ઋતુનો પ્રારંભ થતા નવા વસ્ત્રો પરિધાન કરી આદિવાસી ભાઈઓ શૃંગાર સાથે ખેતરમાં હળ જોડીને વાવેતરમાં લાગી જાય છે. ખેતરમાં બિયારણનું વાવેતર કરવાના દિવસથી જ રૂઢિ પરંપરા પ્રમાણે ઘરના વડવાઓ લીલા શાકભાજી રાંધવાનું બંધ કરે છે. ગામમાં જ્યાં સુધી ગ્રામજનો દ્વારા "ગુદંરુ" બેસાડી જાતરની પૂજા અર્ચના કરાય નહીં ત્યાં સુધી લીલા શાકભાજીની જગ્યાએ સુકાવેલ શાકભાજી અથવા તો કઠોર રાંધીને ભોજન સ્વરૂપે આરોગવાની માન્યતા રહેલી છે.
ખેતરમાં બિયારણના વાવેતર કર્યાના મહિનામાં ધરતી પર નવા ધાન્ય અને લીલી શાકભાજી લહેરાવવા માંડે છે. સારા પાકની આશા સાથે આદિવાસી સમુદાય દ્વારા (બડવા) પૂજારીને બોલાવીને ગામમાં આદિવાસીઓના દેવ કચુંબર, સાવનમા, કાળકામાં, ખત્રી દેવાની સ્થાપના કરવામાં આવે છે. "ગુદંરુ"ની સ્થાપના સમયે ગામના માણસો એકઠા થઈ ભીલી ભાષામાં દેવોના ભજન અને સ્તુતિ કરતા હોય છે. આ પુજન વિધિના કારણે ગામમાં સારી ખેતી થાય છે. પશુધને કોઈ રોગ કે બીમારી થતી નથી. ગામના લોકો ગંભીર મહામારી પ્રકારની બીમારીથી બચતો હોવાની માન્યતા રહેલી છે. ગુદંરુ બેસાડ્યાના બીજા દિવસે સવારે આદિવાસી પરંપરા મુજબ ભોજન સાથે હવન વિધિ કરવામાં આવે છે. સ્થાપના કરેલ પૂજાપો ગામની સીમમાં મૂક્યા બાદ પરત આવતા હોય છે. આનંદ ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ આદિવાસી પરિવારના લોકો લીલા શાકભાજીનું ભોજન આરોગવાની પરંપરા રહેલી છે.