છોટાઉદેપુર: જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ઘણી બઘી પોલમપોલ ચાલી રહી છે. તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. છોટાઉદેપુર તાલુકાની રોજકૂવા ગ્રામ પંચાયતમાં અગાઉના સમયમાં સરપંચ અને તલાટી દ્વારા પંચાયત ધારા વિરુદ્ધ ગેરકાયદેસર ગૌચરની જમીનનો ઠરાવ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગામલોકો કરી રહ્યા છે. જે અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવી હતી.
ગેરકાયદેસર ઠરાવ કરીને ભ્રષ્ટ્રાચાર: છોટા ઉદેપુર તાલુકાના રોજકુવા ગ્રામ પંચાયતમાં તલાટી અને અગાઉના સરપંચ એમ બન્ને વ્યક્તિઓએ 14 ડિસેમ્બર 2020નો ઠરાવ કરેલ છે. જેમાં પાણીની ટાંકી બાબતનો પ્રોજેકટ હોય અને બાંધકામ કરવામાં આવતું હતું. જેમાં ગ્રામ સભા કે પંચાયતના સભ્યોની જાણ બહાર સદર ઠરાવ ગેરકાયદેસર કર્યો હોય તેવા ગ્રામજનો આક્ષેપ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી છે. સદર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. જીલ્લા કલેકટરે ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ સ્થળ મુલાકાત કરવાની સૂચના આપવામાં આવી હતી.
બાંધકામ બંધ કરવા ગ્રામજનોની રજૂઆત: મામલતદાર કચેરી તથા બાંધકામ વિભાગના અધિકારીઓએ ગ્રામજનોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન ગેરકાયદેસર ઠરાવ રદ કરવો અને બાંધકામ બંધ કરવા ગ્રામજનોએ માંગ કરી હતી. તથા રસ્તામાં અવરજવર બાબતે મુશ્કેલી તથા જાહેર હિત માટે તળાવ આવેલ છે જેમાં પશુઓને પીવાના પાણી માટે મૂશ્કેલી પડે તેમ છે. તથા પશ્ચિમે ધોરણ 1થી 10ની આશ્રમ શાળા આવેલ છે. જેમાં પણ વિદ્યાર્થીઓને મૂશ્કેલી પડે તેમ છે. જેથી વગર પરમિશનથી માત્ર ખોટા ઠરાવના આધારે તંત્રએ કોઈપણ હુકમ કે નોટીફિકેશન વગર 40 ટકા જેટલું કામ કરી ભ્રષ્ટ્રાચાર આચરેલ છે. તેવી પણ અરજી કરવામાં આવી હતી.
કુંવરજી બાવળિયાનો હુરિયો બોલાવ્યો: રોઝકુવા ગામે કેટલાંક સમયથી ગામની જમીનમાં સરકારી પ્રોજેક્ટનું બાંધકામ ઉભું કરાતા અનેક રજૂઆતો કરતાં આવ્યા છે. ગઈકાલે રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયા રોઝકુવા ગામમાં નલ સે જલ યોજનાના પ્રોજેક્ટની મુલાકાત લેતાં ગામ લોકો રાજ્યકક્ષાના મંત્રીનો હુરિયો બોલાવી વિરોધ કર્યો હતો.
કાયદેસર કાર્યવાહી કરવાની માંગ: બાંધકામ વિભાગના અઘિકારીઓ દ્વારા ખોટા ઠરાવ કરીને દેખીતો ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે. તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ખોટા ઠરાવ ઉપર કોઈપણ પ્રકારની કામગીરી ન કરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે. અને જો કામગીરી કરવામાં આવશે તો ન્યાયપાલિકાના દરવાજા ખખડાવવા અને જન આંદોલન કરવાની તૈયારી બતાવી રહ્યા છે. જેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે તથા ભ્રષ્ટ અધિકારીઓની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.