- દિવ્યાંગ આત્મનિર્ભર બની પરિવારનું ભરણપોષણ કરી જવાબદારી નિભાવી
- ટ્રાઈ મોટરસાઇકલ બનાવી નાની દુકાન બનાવી હરતા ફરતા પૈસાની આવક કરી
- પરિસ્થિતિ સારી ન હોવાથી દિવ્યાંગે દુકાન ખોલી સાયકલ રિપેરીંગ કરતો
છોટા ઉદેપુર : નસવાડી તાલુકાના વંકલા ગામના દિનેશભાઇ રાઠવા નામના દિવ્યાંગ યુવાને એક અનોખી ટ્રાઈ મોટરસાઇકલ બનાવી છે. સરકાર જો આ અનોખી ટ્રાઈ મોટરસાઇકલ પર ધ્યાન આપે તો ઓછા ખર્ચમાં દિવ્યાંગો આત્મનિર્ભર બની પોતાના પરિવાર માટે મદદરૂપ થાય તેમ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વંકલા ગામના દિનેશભાઇ રાઠવા જન્મજાત દિવ્યાંગ છે. તે જન્મજાતથી દિવ્યાંગ હોવાથી માતાપિતા પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ લાગ્યું. તેમના માતાપિતાને દિવ્યાંગ બાળકની ચિંતા થવા લાગી પણ એમને ક્યાં ખબર હતી કે, નાનપણથી જ આ દિવ્યાંગ બાળકનું દિમાગ તેજ અને મન મક્કમ ચાલતું હતું.
હરતી ફરતી દુકાન બનાવી કરી રહ્યા છે કમાણી
દિનેશભાઇ નાનપણથી રસ્તા પરના ટેમ્પા, બસ, સાઇકલ જેવા સાધનોને જોતા જ તે લાકડામાંથી બનાવી દેતા હતા, ભણવામાં પણ હોશિયાર હતા. પરંતુ ગામમાં 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ માતાપિતાની પરિસ્થિતિ સારી ન હોવાથી દિનેશભાઇએ શાળાની સામે એક નાની ખોલકી બનાવી દુકાન શરુ કરી હતી. ટેક્નિકલ દિમાગ હોવાથી તેમને કોઈ જગ્યાએ શીખ્યા વિના આપમેળે સાઇકલ રીપેરીંગ, પંચર બનાવવાનું અને હાલ મોટરસાઇકલ રિપેરીંગ શીખી લેતા આજે એક અનોખી દિવ્યાંગો માટેની મોટરસાઇકલ બનાવી છે. આ મોટર સાઇકલ છકડા જેવી લારી જોડીને ત્રણ પૈડાંવાળી બનાવી છે. જે મહદઅંશે સફળ થતા દિનેશભાઇ દુકાનનો સામાન 20 થી 30 કિલો નસવાડી, ગઢ બોરિયાદ અને કવાટથી લાવવા લઇ જવામાં કરે છે. જેમાં તેમનો સમય અને પૈસાની બચત થાય છે. તેમજ તેમને બીજા કોઈ પણ વ્યક્તિ કે, વાહન હાંકનાર પર આધાર રાખવો પડતો નથી. આમ આ ત્રણ પૈડાંવાળું સાધન બનાવી તે હવે મેળા, લગ્ન પ્રસંગોમાં પહોંચી હરતી ફરતી દુકાન બનાવી વધુ કમાણી કરી રહ્યા છે.
દિનેશભાઈ આત્મનિર્ભર બની પરિવારનું ભરણપોષણ કરી જવાબદારી નિભાવી
દિનેશભાઈના પરિવારમાં તેમના માતા, પિતા, પત્ની અને બે છોકરા, છોકરી મળીને કુલ 8 લોકો રહે છે. જેઓનું ભરણપોષણ છેલ્લાં 20 વર્ષથી દિવ્યાંગ દિનેશભાઇ જ કરે છે. આમ દિનેશભાઈના ટેક્નિકલ દિમાગથી ગામના લોકો પણ પોતાનું સાધન રિપેરીંગ કરાવવા આવે છે. આમ દિનેશભાઇ જન્મજાત દિવ્યાંગ હોવા છતાં દુકાન સંભાળવા સાથે અનોખું છકડા જેવું ત્રણ પૈડાંવાળું વાહન બનાવી પોતાની આવકમાં વધારો કરી આત્મનિર્ભર બની પરિવારનું ભરણપોષણ કરી જવાબદારી નિભાવી રહ્યા છે. જે સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.