- બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં દિનપ્રતિદિન થતો વધારો
- GRD જવાનની સતર્કતાના કારણે બેંકમાં મોટી ચોરી થતાં અટકી
- પોલીસે ચોરી કરવા આવેલા શખ્સને ઝડપી જેલ હવાલે કર્યો
બનાસકાંઠાઃ સામાન્ય રીતે કોઈ પણ ઘટના કે દુર્ઘટના થયા બાદ જ પોલીસ આવતી હોય છે તેમ મોટાભાગના લોકો માનતા હોય છે. પરંતુ બનાસકાંઠાના થરાદની અંદર GRD જવાનની સમયસૂચકતાને કારણે એક બેન્કમાં મોટી ચોરી થતાં અટકી ગઈ છે. GRD જવાને સતર્કતા દાખવી તાત્કાલિક સ્થાનિક પોલીસને બોલાવતા ચોરને રંગેહાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. થરાદમાં આવેલી પ્રગતિ બેન્કમાં ગત મોડી રાત્રે શખ્સ ચોરી કરવા માટે બેંકમાં પ્રવેશ્યો હતો. બેન્કની બારી તોડી અંદર પ્રવેશી બેન્કનું લોક તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બહાર ફરજ બજાવી રહેલા GRD જવાન નારણભાઈને બેન્કની અંદરથી કંઈક અવાજ સંભળાતા જ તેઓ સતર્ક થઈ ગયા હતા અને તેને તાત્કાલિક હોમગાર્ડ અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ થરાદ પોલીસ અને બેન્કના મેનેજર પણ આવી પહોંચ્યા હતા અને બેન્કમાં તપાસ કરતા ચોરી કરવા આવેલા શખ્સને ઝડપી પાડયો હતો. આ સમગ્ર ચોરીના પ્રયાસની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ડીસા પોલીસે થોડા સમય પહેલી થયેલી ઘરફોડ ચોરીના આરોપીઓને ઝડપ્યા
પોલીસે અને બેન્ક મેનેજરે GRD જવાનનો આભાર માન્યો
સામાન્ય રીતે રાત્રી દરમિયાન ફરજ બજાવતા પોલીસ નિષ્ક્રિયતાના કારણે અનેક જગ્યાએ ચોરીની ઘટનાઓ બનતી હોય છે ત્યારે થરાદમાં GRD જવાની સતર્કતાના કારણે બેન્કમાં મોટી ચોરી થતાં અટકી ગઈ છે. પોલીસે અને બેન્ક મેનેજરે હાશકારો અનુભવતા GRD જવાનનો આભાર માન્યો હતો.
આ પણ વાંચોઃ રાજકોટમાં તસ્કરો દ્વારા ATM ઉપાડી જવાનો પ્રયાસ
જિલ્લામાં હાલમાં ચોર ગેંગ સક્રિય બની
જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ચોર ગેંગ સક્રિય બની છે અને એક પછી એક મોટી મોટી ઘટનાઓને અંજામ આપી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી સૌથી મોટી ચોરીઓ શહેરી વિસ્તારમાં થતી જોવા મળતી હતી. પરંતુ હવે ચોર ગેંગ શહેરી વિસ્તારને છોડી ગ્રામીણ વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે ત્યારે સત્વરે પોલીસ તંત્ર દ્વારા આવી ચોર ગેંગને ઝડપી પાડી કડક સજા કરવામાં આવે તો જ આવનારા સમયમાં બનતી ચોરીની ઘટનાઓ અટકી શકે તેમ છે.