- બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં 2ના મોત
- થરાદ પાસે ટ્રેક્ટર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા મોત
- ભીલડી પાસે ટ્રેલરની ટક્કરે આવી જતા મહિલાનું મોત
બનાસકાંઠા: જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ માર્ગ અકસ્માતોમાં એક મહિલા અને પુરુષનું મોત નિપજયું હતું. બનાવની જાણ સ્થાનિક પોલીસમથકોને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત સર્જનારાઓની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: ઉદેપુર અનિયંત્રિત કારે ચાર લોકોને ચપેટમાં લેતા ચારેયના મોત
રાજસ્થાનથી આવી રહેલા સાળા-બનેવીને નડ્યો અકસ્માત
મંગળવારે વહેલી સવારે થરાદ તાલુકાના મિયાલ ગામના રહેવાસી અને કડિયાકામ કરતાં ચેલાભાઈ મેઘવાળ અને તેમના સાળા રમેશભાઈ વણકર રાજસ્થાનથી થરાદ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન મેસરા ગામ પાસે પાછળથી આવી રહેલા ટ્રેકટર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક સાળા ચેલાભાઈ રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેલાભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: ચલથાણ રેલવે ફાટક ક્રોસ કરતી વખતે વૃદ્ધ દંપતીનું ટ્રેનની અડફેટમાં આવી જતાં મોત
ભીલડી પાસે ટ્રેલરની ટકકરે મહિલાનું મોત
ડીસા-રાધનપુર હાઇવે પર એક્ટિવા પર સવાર રાજવીર સ્વામી અને કંચનબેન દવે ભીલડી ટોલ પ્લાઝા પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે આ એક્ટિવા પર સવાર બંને ટ્રેલરની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં એક્ટિવા પર સવાર મહિલા ટ્રેલરના પાછલા ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવથી ઘટના સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા. જ્યારે ટ્રેલર ચાલક અકસ્માત બાદ ટ્રેલર મૂકીને નાસી ગયો હતો. બનાવને પગલે ભીલડી પોલીસ પણ તાત્કાલિક આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.