બનાસકાંઠામાં ડીસા ખાતે આજે ગુરુવારે મુખ્યપ્રધાન હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું અનાવરણ કરવામાં આવ્યું હતું .જેમાં ડીસાના ટેટોડા ખાતે રાજારામ ગૌશાળા સંચાલિત અદ્યતન પશુ દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલા હોસ્પિટલમાં બનાસકાંઠા જિલ્લાના પશુઓને ખૂબ જ સારી સારવાર મળી રહેશે. ત્યારબાદ ડીસામાં 5 કરોડના ખર્ચે બનનાર સ્મશાન ગૃહ, પ્રાર્થના હોલ, બગીચો અને જુનાડીસા ખાતે કોલેજનું પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરાયું હતું.
ટેટોડા ગૌશાળા ખાતે બનેલી નવીન અદ્યતન ટેકનોલોજી ધરાવતી હોસ્પિટલનું આજે ગુરૂવારે મુખ્યપ્રધાને લોકાર્પણ કર્યુ છે. આ હોસ્પિટલમાં પશુઓને તમામ પ્રકારની સારવાર મળી રહેશે. ખાસ કરીને કેન્સર અને અન્ય રોગથી પીડાતી ગાયોને અદ્યતન સારવારની સુવિધા ટેટોડા ગૌશાળા ખાતે મળી રહેશે. આ વિસ્તારમાં આ પ્રકારની મોટી પશુઓની કોઈ પણ હોસ્પિટલ ન હતી. જેથી દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલી પશુઓની હોસ્પિટલ પશુઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.
મુખ્યપ્રધાનના આજના કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, બનાસ ડૅરી ચેરમેન શંકર ચૌધરી, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, કીર્તિસિંહ વાઘેલા સહિત ભાજપના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિજય રૂપાણીએ સરકાર તમામ જીવો પ્રત્યે સંવેદનશીલ હોવાનું આહ્વાન કર્યું હતું.