બનાસકાંઠા : શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગણાતું મા અંબાના અંબાજી ધામમાં દૂર દૂરથી પગપાળા યાત્રિકો પધારી રહ્યા છે. મેળાના પહેલા દિવસે 2,75,450 બીજા દિવસે 4,68,286 અને ત્રીજા દિવસે 5,88,296 માઈ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. આમ કુલ ત્રણ દિવસમાં 13,32,032 માઈ ભક્તોએ માના ચરણોમાં શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા છે. પદયાત્રીઓના ઉત્સાહની તસવીરો સામે આવી રહી છે.
યાત્રિકો માટે સુવિધાઓ : યાત્રિકો માટે તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જેથી યાત્રિકોને કોઈ જાતની તકલીફ ન પડે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કંટ્રોલરૂમ આરોગ્ય વિભાગની સેવાઓ પાણીની સેવાઓ સફાઈની સેવાઓ જેવી અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે અને શ્રદ્ધાળુઓની સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
આ વખતે મા અંબાના ધામમાં જે મેળો ભરાય છે તે મેળામાં જે પદયાત્રિકો ચાલતા આવે છે તેમને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે આરોગ્ય વિભાગ પણ ખડે પગે સેવા આપી રહ્યું છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક કેમ્પ બનાવી ઠેર ઠેર જગ્યાએ યાત્રિકોને સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં કોઈને કળતર થતું હોય પગમાં દુખાવો થતી હોય કે પગમાં છાલા પડી ગયા હોય તેવા આ પદયાત્રિકોની સેવા કરવામાં આવે છે...ડો. નીલમબેન ( આરોગ્ય વિભાગ )
કેમ્પમાં તમામ સગવડો : સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ રોડ પર કેમ્પ બાંધી શ્રદ્ધાળુઓને માટે રાત દિવસ સતત ખડે પગે રહી શ્રદ્ધાળુઓની સેવા કરી રહ્યા છે. જેમાં પાણીથી લઈને જમવા સુધીની તમામ સગવડો તેમ જ ઊંઘવા માટે આરામ કરવા માટે તમામ સગવડો કેમ્પમાં કરવામાં આવેલી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના અંબાજી જતાં તમામ રોડ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યા છે.
હું આમ તો પાંચથી છ વર્ષથી અંબાજી ચાલતો જાઉં છું. મારા મામાના દીકરાને દીકરો ન હતો તેથી મેં એક માનતા રાખી હતી કે મારા મામાના દીકરાને જો દીકરો આવશે તો હું ચાલતો અંબાજી જઈશ. ત્યારબાદ મારા મામાના દીકરાને ઘેર દીકરો આવ્યો છે. માં અંબાએ તેમને દીકરો આપ્યો છે. જેથી હું મારી માનતા પૂરી કરવા માટે ચાલતા અંબાજી જઉં છું અને અમને જરાય પણ થાક નથી લાગતો. માના આશીર્વાદ અમારી ઉપર છે. જેથી અમે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે રમતાં ખેલતાં માના ધામમાં જઈ રહ્યાં છીએ..અશોક ઠાકોર ( માઇભક્ત પદયાત્રી )
નવરાત્રિમાં મા અંબાને પધારવા આમંત્રણ : દર વર્ષની જેમ આ વર્ષે પણ 23 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર સુધી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા મા અંબાના ધામમાં ભાદરવી પૂનમનો મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમતી રહી છે. મહત્વની વાત છે કે નવરાત્રિમાં મા અંબાને તેમના ઘરે પધારવા માટેનું આમંત્રણ આપવા માટે માઈ ભક્તો દૂર દૂરથી પગપાળા ચાલી ભાદરવી પૂર્ણિમાના મહા મેળામાં આવે છે અને પ્રાર્થના કરે છે.
- Bhadarvi Poonam Melo : અંબાજી મેળામાં બે દિવસમાં 7 લાખ માઇ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું
- Ambaji News: આજથી અંબાજી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ, મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સગવડની વ્યવસ્થા વિશે જાણો
- Ambaji Bhadarvi Poonam : અંબાજી જતા પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા, આરોગ્ય કેન્દ્ર શરુ કરવામાં આવ્યા