અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મહત્તમ રાજસ્થાની લોકો વધુ વસવાટ કરે છે, અને તેમાં પણ બ્રાહ્મણ સમાજ મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્યારે અંબાજી સહિત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વસતા બ્રાહ્મણ પરિવારોમાં સમરસતા અને સંગઠિતતા જળવાય, તે માટે અંબાજી પરશુરામ પરિવાર દ્વારા વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે 51 નાના બાળકોની સમૂહ જનોઈ એટલે કે, યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર વિધિ-વિધાન સહિત બાળકોને જનોઈ ધારણ કરાવામાં આવી હતી. જ્યારે 15 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જેમાં સાત ફેરા ફરી નવી જિંદગીની શરૂઆત કરી હતી. આ સમૂહ લગ્નોત્સવમાં એક સમાનતા જળવાઈ રહે, તે માટે સમૂહમાં મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ કરાવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બ્રાહ્મણ જ નહીં પણ અન્ય જ્ઞાતિના લોકોએ બ્રાહ્મણ દિકરીઓને કરિયાવર આપ્યો હતો. જેમાં ઘરની તમામ ઘરવખરી સહિત ઘરઘંટી, ટીવી, પલંગ જેવી અનેક સામગ્રીઓ અર્પણ કરવામાં આવી હતી. જેમાં બ્રાહ્મણ સિવાયના દાતા ઓનું પણ પરશુરામ પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે તમામ યુવતીઓને રૂપિયા 5000 સર્ટિફિકેટ કન્યાદાન સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. જેને લઈ સમૂહ લગ્નમાં ભાગ લેનાર પરિવારે પણ ભારે ખુશી વ્યક્ત કરી હતી.