બનાસકાંઠા : ડીસા પાલિકામાં છેલ્લા એક વર્ષથી ભાજપના સભ્યો અને પ્રમુખ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હતો. જે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને આખરે વિવાદ હવે બહાર આવતા શહેરમાં રાજકીય ભુકંપ સર્જાયો છે. આજે ભાજપ સિમ્બોલ પરથી ચૂંટાયેલા 11 અને અપક્ષ મળી કુલ 13 સભ્યોએ વિવિધ સમિતિ પદેથી રાજીનામાં ધરી દીધા છે.
નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીના વહીવટ અને શાસનથી કંટાળેલા સભ્યોએ અગાઉ પણ મોવડી મંડળમાં અનેક વખત રજૂઆતો કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલ, પ્રભારી દુષ્યંત પંડ્યા સહિત આગેવાનોને રૂબરૂ મળી અનેકવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ મોવડી મંડળે ભાજપના સભ્યોની વાત કાને ન ધરતા આખરે કંટાળેલા સભ્યોએ બંડ પોકાર્યો હતો અને પ્રમુખના વિરોધમાં ભાજપ સિમ્બોલ પરથી ચૂંટાઈ આવેલા 11 સહિત અને અપક્ષ મળી કુલ ૧૩ સભ્યોએ વિવિધ હોદ્દાઓ પરથી રાજીનામા આપી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજીનામાં આપનારા સભ્યોએ નગરપાલિકામાં મહિલા પ્રમુખના પતિ જ પ્રોક્સિ વહીવટ ચલાવતા હોવાની સાથે વિકાસના કામોની પણ અવગણના કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
ડીસા નગરપાલિકામાં મહિલા પ્રમુખ શિલ્પાબેન માળીના વહીવટથી કંટાળી અને પક્ષી વહીવટ ચાલતો હોવાના કારણે ૧૩ સભ્યોએ વિવિધ હોદ્દાઓ પરથી શહેર ભાજપ પ્રમુખને રાજીનામા આપી દીધા છે તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખે પણ ડેમેજ કંટ્રોલ કરવા માટે તમામ સભ્યોના રાજીનામાં સ્વીકારી આ અંગે જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક કરશે અને યોગ્ય નિર્ણય લઇ આવશે તેમ જણાવ્યું હતું.
નગરપાલિકામાં ભાજપના પ્રમુખના વહીવટથી કંટાળી 13 સભ્યોના રાજીનામાં
પાલિકામાં એક મહિના અગાઉ મળેલી સાધારણ સભામાં સભ્યો અને ધારાસભ્ય વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી. આ સાથે પ્રમુખ પાસે બોર્ડ ચલાવવા રજુઆત કરતા પ્રમુખે વાત સાંભળી ન હતી સાથે ઉપપ્રમુખ કાંતિલાલ સોનીએ પણ રાજુનામું આપ્યું હતું. જોકે ધારાસભ્યની દરમ્યાનગીરીથી ઉપપ્રમુખે રાજીનામુ પરત લીધું હતું. જ્યારે આજે ફરી 13 સભ્યોના રાજીનામાં પડ્યા છે. જેમાં એક તરફ ભાજપ આગામી ચૂંટણીઓની તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ડીસા નગરપાલિકામાં 13 સભ્યોના રાજીનામાંથી ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, ત્યારે હવે ભાજપ આ ડેમેજ કઇ રીતે કન્ટ્રોલ કરે છે તે જોવું રહ્યું.