ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આગામી સ્વાતંત્ર્યદિન અને પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામ અને બૉર્ડર તથા દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.ગુજરાતમાં પણ કોઇપણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની છે.
તેમજ જાહેર સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.બીજી તરફ રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો . આતંકી હુમલાની દહેશતના પગલે ભારત સરકારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટના આદેશો આપ્યા છે.જેથી ગૃહ વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જે પવિત્ર યાત્રાધામ, એરપોર્ટ, રેલવે, એસટી બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારીને ઠેર ઠેર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.