અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટમાં ન્યાયાધીશ દિવ્યેશ જોશી સમક્ષ આ મામલે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન અરજીકર્તા(પીડિતો તેમજજ મૃતકોના પરિવારજનો) પક્ષની તમામ દલીલો સાંભળ્યા બાદ હાઈ કોર્ટે ચુકાદો રીઝર્વ રાખ્યો છે.
ગુજરાતના મોરબી શહેરની મચ્છુ નદી પર આવેલ ઝુલતો પૂલ 30, ઓક્ટોબર, 2022ના રોજ તુટી પડ્યો હતો. જેમાં મહિલા અને બાળકો સહિત 135 લોકોના મૃત્યુ થયા હતા. તેમજ 56 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં બ્રિટિશ કાળના આ ઝુલતા પૂલનું મેન્ટેનન્સ કરતી કંપનીના સીએમડી જયસુખ પટેલને મુખ્ય આરોપી બનાવાયા છે. એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીને જણાવ્યું હતું કે ઈન્વેસ્ટિગેટરે 18 સપ્ટેમ્બરના રોજ સેશન કોર્ટમાં ઘટનાના દરેક પાસાની તપાસનો રિપોર્ટ જમા કરાવી દીધો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે ચુકાદો પીડિત અને અરજીકર્તા તેમજ બીજા પક્ષની દલીલોની રજૂઆત બાદ થવો જોઈએ. કોઈ ચુકાદાને આધારે જામીન અરજી પર ચુકાદો ન કરી શકાય. જામીન અરજી પર સુનાવણી કરવી કોર્ટના વિવેક પર નિર્ભર કરે છે. આ સમગ્ર મામલામાં ઓરેવાના સીએમડી જયસુખ પટેલ, કંપનીના 2 મેનેજર, બ્રિજ રીપેર કરનાર 2 સબ કોન્ટ્રાકટર, 3 સીક્યુરિટી ગાર્ડ તેમજ પૂલના બંને છેડાના પ્રવેશ દ્વારે રહેલા 2 ટિકિટ બૂકિંગ ક્લાર્ક એમ કુલ 10 આરોપી છે.
આ 10 આરોપીમાંથી 6ને જામીન મળી ગયા છે જ્યારે પટેલ, તેમની કંપની મેનેજર અને દેવપ્રકાશ સોલ્યુશન્સના બે માલિક જેમણે પૂલનું મેન્ટેનન્સ કર્યુ હતું તેઓ હજૂ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આરોપીઓ પર આઈપીસીની કલમ 304, 336 અને 338 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીને આગળ જણાવ્યું કે, કોર્ટ આરોપી કેટલા સમયથી જેલમાં છે, તપાસ પૂરી થઈ, સાક્ષીઓની સંખ્યા, આરોપી એક વેપારી છે તે ક્યાંય ભાગે તેવી સંભાવના નથી જેવી બાબતો પર વિચાર કરી શકે છે. આ માનનીય કોર્ટના વિવેક પર નિર્ભર કરે છે. આ મામલો હું કોર્ટના વિવેક પર છોડું છું.
એડિશનલ એડવોકેટ જનરલે કહ્યું કે કેટલાક ગુનાઓને સાંકળવા માટે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જો કે હજૂ સુધી આરોપો નક્કી નથી થયા ત્યાં સુધી કોઈ પણ પક્ષ ગુનાઓ ઉમેરવા કે દૂર કરવા માટે અરજી કરી શકે છે. જયસુખ પટેલના વકીલ નિરુપમ નાણાવટીએ મંગળવારે દલીલ કરી હતી કે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પૂલ પર ચઢ્યા અને તેને હચમચાવ્યો તે પણ દુર્ઘટનાનું એક કારણ છે.
નાણાવટી આગળ જણાવે છે કે પૂલના મેન્ટેનન્સમાં ઓરેવા ગ્રૂપ તરફથી કોઈ કસર રહી ગઈ હોઈ શકે છે પણ દુર્ઘટનાની સાંજે આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓ પૂલ પર એકત્ર થઈ જશે તેનું અનુમાન લગાવ્યું હતું. જ્યુડિશિયલ કસ્ટડીમાં 10 મહિના જેટલો સમય વિતાવ્યા બાદ હવે તેમને જેલમાં રાખવાની જરુર જણાતી નથી. કેસ ચલાવવામાં સમય લાગશે અને કોર્ટ પટેલને જામીન આપતી વખતે કોઈપણ શરત લગાવી શકે છે. બચાવ પક્ષના વકીલે આરોપી પર આઈપીસીની કલમ 304 અંતર્ગત આરોપ લગાડવા પર વિરોધ કર્યો હતો. પટેલની જામીનનો વિરોધ કરતા અરજીકર્તાના વકીલ રાહુલ શર્માએ દલીલ કરી કે સાક્ષીઓના રેકોર્ડ સાથે ચેડા થવાની પૂરી સંભાવના છે કારણ કે આરોપી પર બહુ ગંભીર ગુનાનો આરોપ લાગેલ છે.