અમદાવાદ: પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક શિક્ષિકાએ પ્રતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. મહિલાના શિક્ષક પતિ દ્વારા લગ્ન સમયથી જ અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય અને જે બાબતે કહેવા જતા અવારનવાર તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોય તેમજ દીકરી દ્વારા પિતાના ફોનમાં અન્ય સ્ત્રીઓના બીભત્સ ફોટા જોઈ માતાને બતાવતા આરોપીએ પત્નીનું ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
શું છે સમગ્ર કેસ: પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જોધપુર ગામમાં 33 વર્ષીય ખુશ્બુ (નામ બદલેલ છે) પતિ યોગેશ (નામ બદલેલ છે) તેમજ 11 વર્ષની દીકરી સાથે છેલ્લા 12 વર્ષથી રહે છે અને સાઉથ બોપલ ખાતે આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક તરીકે છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે, ખુશ્બુનો પતિ પણ એજ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે.
પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ: વર્ષ 2010માં ખુશ્બુ અને યોગેશના જ્ઞાતિના રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા. તેનો પતિ યોગેશ લગ્ન થયા ત્યારથી જ બીજી સ્ત્રીઓ સાથે આડા સંબંધો બાંધતો હોય જેની જાણ તેને થતા કહેવા જતાં તેને મન ફાવે તેમ બોલીને માર મારતો હતો. જે બાબતે તે સાસુ સસરાને જાણ કરતા તેઓ પણ પતિનો પક્ષ ખેંચીને ખુશ્બુને ધમકાવતા હતા. જેના કારણે વર્ષ 2012માં તે પિયર ખાતે સુરત જતી રહી હતી. તે પછી પતિ તેમજ સાસુ અને સસરા, જેઠ તેમજ દિયર દ્વારા માનસિક ત્રાસ આપી માર મારતા હોય વકીલ મારફતે નોટિસ મોકલાવી લેખિત ફરિયાદ સુરતના પુણાગામ પોલીસ મથકે કરી હતી. જે બાદ સાસુ તેમજ પતિ વિરુદ્ધ માર મારવા બાબતેની લેખિત ફરિયાદ આનંદનગર પોલીસ મથકે કરી હતી.
અવારનવાર ઝઘડો: જોકે બંને પરિવારોના સગા સંબંધીઓએ ભેગા મળીને સમાધાન કરાવ્યું હતું અને વર્ષ 2013ના જુલાઈમાંથી તે પરત અમદાવાદ ખાતે આવી હતી. જો કે પતિ યોગેશ અગાઉની જેમ જ બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો હોવાથી તે બાબતે કહેવા જતા અવારનવાર ઝઘડો બોલી ગાળો બોલીને માર મારતો હતો. ખુશ્બુને સંતાનમાં દીકરી હોવાથી ઘર સંસાર ન બગડે તે માટે લેખિત અરજી આપી પતિને સમજાવવા માટે જણાવતી હતી.
પત્નીનું ગળું દબાવ્યું: 16મી જૂન 2023 ના રોજ ખુશ્બુ, તેનો પતિ યોગેશ તેમજ દીકરી ઘરે હાજર હતી. ત્યારે તેના પતિનો મોબાઈલ ફોન દીકરી પાસે હોય તેમાં બીજી સ્ત્રીઓના બીભત્સ ફોટા હોય જે દીકરીએ ખુશ્બુને બતાવતા તે પતિને કહેવા ગઈ હતી. પતિએ ઉશ્કેરાઈને દીકરીને માર માર્યો હતો. જેથી દીકરીને છોડાવવા વચ્ચે પડતા પતિએ તેને પણ માર માર્યો હતો અને જોરથી ગળું દબાવી દીધું હતું. પતિને છોડાવવા માટે પતિના મોઢાના ભાગે મારતા ગળું છોડી દીધું હતું.
મહિલાએ પતિ સામે નોંધાવી ફરિયાદ: આ અંગે ખુશ્બુએ પોલીસમાં જાણ કરતા પોલીસ આવતા તેને બેડરૂમમાંથી બહાર કાઢવામાં આવી હતી. યોગેશ દ્વારા પોલીસ સાથે પણ અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને જે બાદ યુવતી પોલીસ ફરિયાદ કરવા માટે જઈ રહી હતી, ત્યારે પણ પતિએ તેનો હાથ પકડી ખેંચી ધક્કો મારતા તે નીચે પડી ગઈ હતી. જોકે પોલીસે તેની સાથે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આ સમગ્ર મામલે લેખિત અરજી આપી હતી.
પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ: ત્યારબાદ તેનો પતિ તેને અને દીકરીને દિવસ ગાળો બોલીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય અને 7 જુલાઈ 2023 ના રોજ રાતના સમયે તેનો પતિ કોઈ પણ કારણ વિના તેના ઉપર ગુસ્સે થઈ માર મારવા લાગતા તે અને દીકરી બંને ઘરની બહાર લોબીમાં આવી ગયા હતા અને પતિ ઘરની અંદરનો સામાન તોડવા લાગ્યો હતો અને તેને રાખવાનો નથી તેવું કઈ દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ તે આખી રાત ફ્લેટના પાર્કિંગમાં બેસી રહ્યા હતા અને અંતે આ સમગ્ર મામલે આનંદ નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી: આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનના PI વી.એમ દેસાઈએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે મહિલાની ફરિયાદ લઈને મારામારી તેમજ ઘરેલુ હિંસા અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.