મળતી વિગતો મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં બંગલાવાળી ચાલીમાં 100 વર્ષ જૂનું ત્રણ માળનું મકાન જર્જરિત હાલતમાં હતું જે ધરાશાયી થયું હતું. જેના પગલે 14થી વધુ લોકો મકાનમાં દટાયા હતાં. આ ઘટનાને પગલે આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા અને ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી. ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.
મકાનની અંદર ફસાયેલા લોકોને યુદ્ધના ધોરણે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની 21 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરી હતી. આ ઘટનામાં 3 વ્યક્તિના મોત નિપજ્યાં છે, તો અનેક ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં સાંકડી ગલી હોવાથી બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસે આસપાસના મકાન પણ ખાલી કરાવ્યા છે.