- ACBએ લાંચના મામલે તાપી DEO અને ક્લાર્કની ધરપકડ કરી
- સ્કૂલ સંચાલકે ફરિયાદ કરતા ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું
- શિક્ષણ અધિકારીના ઘરમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી
અમદાવાદ: ACBએ રૂપિયા 10 લાખની લાંચના મામલે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્કની ધરપકડ કરી છે. તાપી જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્કે સ્કૂલ સંચાલક પાસે 10 લાખની લાંચની માંગણી કરી નોટિસ દફતરે કરવાની ખાતરી આપી હતી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામની વિધાયકુંજ શાળાને આપેલી નોટિસ પરત ખેંચવા 10 લાખની લાંચ લેવાના આરોપમાં તાપીના શિક્ષણાધિકારી બી.એમ.પટેલની અને અન્ય એક કર્મચારીની ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ઇન્સ્પેકશનમાં કેટલાંક મુદ્દાઓ માટે શાળાને નોટિસ
એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક નીરવ ગોહિલના જણાવ્યા અનુસાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરત પટેલે વિધાયકુંજ શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં પટેલે પોતાના ઇન્સ્પેકશનમાં સામે આવેલા કેટલાંક મુદ્દાઓ માટે શાળાને નોટિસ આપી હતી. આ તમામ મુદ્દાઓ અંગે શાળા તરફથી જવાબ આપવામાં આવ્યો હતો. આમ છતાં પટેલે ફરીથી કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતા સાથે ફરીથી શાળાના આચાર્યને નોટિસ આપી હતી. સ્કૂલ સંચાલકે આ મામલે ફરિયાદ કરતા ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું પણ આરોપીને ગંધ આવી જતા લાંચની રકમ સ્વીકારી નહોતી, પરંતુ સાંયોગિત પુરાવાના આધારે ACBએ લાંચની માંગણી અંગેનો કેસ કરી બન્ને આરોપીને ઝડપી લીધા છે. જેમાં ઝડપાયેલા આરોપી તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ભરત મંગળ પટેલના વ્યારા સ્થિત મકાનમાંથી સર્ચ દરમિયાન ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.
આરોપીને ગંધ આવી જતા લાંચની રકમ સ્વીકારી નહીં
ACBએ તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરત મંગળ પટેલ અને રવીન્દ્રકુમાર ઉર્ફ જીગો શંકરલાલ પટેલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ફરિયાદીની સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આકસ્મિક મુલાકાત લઈ ઇન્સ્પેકશન કર્યું હતું. જે ઇન્સ્પેકશનને પગલે મુદ્દાઓની ખાતરી કરવા શાળાને નોટિસ પાઠવવામાં આવી હતી. ફરિયાદીએ રૂબરૂ મળી મુદ્દાઓનો ખુલાસો કર્યો, પરંતુ નોટિસ દફતરે કરવા આરોપીએ રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે ACBની જાણ કરતાં શુક્રવારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ACBએ DEO અને ક્લાર્કની કરી ધરપકડ
તાપીના વીરપુરની વિધાયકુંજ શાળાની નોટિસ દફતર કરવા લાંચ માંગી આરોપીઓએ ACBના છટકાની ખબર પડી જતાં લાંચનો સ્વીકાર કર્યો નહોતો. જેથી ACBએ સાંયોગિક પુરાવાના આધારે બન્ને આરોપીની ધરપકડ કરી છે.