- વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી આયા વિવાદમાં
- પુત્ર દિપક શ્રીવાસ્તવના ફોર્મમાં વાંધો ઉઠતાં થયો વિવાદ
- જિલ્લા પંચાયત ખાતે આજે ફોર્મ ચકાસણી હતી
વડોદરાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ફોર્મ ભરાયા બાદ આજે સોમવારે ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે, ત્યારે ચૂંટણી ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 15ના અપક્ષ ઉમેદવાર અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના ફોર્મ સાથે વાંધો ઉઠ્યો હતો. જેથી વિવાદ સર્જાયો છે.
ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ ઉઠાવ્યો વાંધો
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પગલે વોર્ડ નંબર 15 માંથી દિપક શ્રીવાસ્તવે અપક્ષ માંથી ઉમેદવારી પત્રક ભર્યું છે, ત્યારે આજે સોમવારે ઉમેદવારીપત્રક ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આશિષ જોશીએ અપક્ષના ઉમેદવાર દિપક શ્રીવાસ્તવ સામે વાંધો ઉઠાવ્યો હતો કે, દિપક શ્રીવાસ્તવને ત્રણ પુત્ર છે. આમ છતાં તે સોગંદનામાંની અંદર 2 પુત્રનો જ ઉલ્લેખ કર્યો છે. જેને લઈને દિપક શ્રીવાસ્તવના ઉમેદવારીપત્રને સ્ટેન્ડ બાય પર મુકવામાં આવ્યું છે.
દિપક શ્રીવાસ્તવને 3 પુત્ર હોવાનો ઉલ્લેખ
આ અંગે દિપક શ્રીવાસ્તવ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે. તેમને માત્ર 2 જ પુત્ર છે અને તેને લગતા તમામ પુરાવા તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા છે. આ અંગે વાંધો ઉઠાવનારા વોર્ડ નંબર 15ના જ ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ જણાવ્યું હતું કે, દિપક શ્રીવાસ્તવને 3 પુત્ર હોવાના પુરાવા તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા છે. જેથી ચૂંટણી અધિકારી જે પણ નિર્ણય લેશે તેને માન્ય રાખવામાં આવશે. બીજી તરફ ચકાસણી દરમિયાન ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જિલ્લા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. આ અંગે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તે અપક્ષ માંથી ઉભા રહેલા પોતાના પુત્રને સમર્થન આપશે. આ સાથે અપક્ષ માંથી ઉભા રહેલા અન્ય ઉમેદવારોને પણ તેમના આશીર્વાદ રહેશે.