- વડોદરાની વિશ્વામિત્રી (Vishvamitri River) માં મગરો મરી રહ્યાં છે અને તંત્ર ધોર નિંદ્રામાં
- 3 દિવસમાં 2 મગરો મૃત અવસ્થામાં મળી આવ્યા
- એશિયાનું એક માત્ર શહેર જ્યાં માનવ વસ્તી વચ્ચે મગરો વસવાટ કરે છે
વડોદરા: વિશ્વામિત્રી નદી (Vishvamitri River)માં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. વિશ્વામિત્રી નદી મગરોનું ઘર બની ગયું છે. ત્યારે મોટી સંખ્યામાં જોવા મળતા મગરોની સલામતી અને સુરક્ષા માટે તંત્ર દ્વારા કોઇ તકેદારીના પગલા લેવામાં આવતા હોય તેવુ દેખાતું નથી. ચોમાસુ શરૂ થતાં વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારોમાં મગરો દેખા દેતા હોય છે. તેવામાં ચોમાસી શરૂઆતમાં પ્રદુષિત થયેલી વિશ્વામિત્રી નદીમાંથી છેલ્લા ત્રણ દિવસમાં 2 મૃત મગરો મળી આવ્યાં છે.
અંદાજીત 12 ફુટ લાંબો એક મગર મૃત હાલતમાં મળી આવ્યો
વિશ્વમિત્રી નદી (Vishvamitri River) જેમાં ગટરનુ ગંદુ પાણી અને કેમિકલયુક્ત પાણી ઠલવાતા હવે ગટરગંગા બની હોય તેવું કહેવામાં અતિશયોકતી નથી, કારણ કે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કોઇપણ કાંઠા વિસ્તાર પર નજર કરવામાં આવે તો માત્ર ગંદકી સિવાય કશુ જોવા મળતુ નથી. ગંદકીથી છલકાતી વિશ્વામિત્રી નદીમાં વસતા મગરો માટે હવે આ પ્રદુષણ વધુ જોખમી બનતુ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ સાંજના સમયે અકોટા-દાંડીબજાર બ્રીજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી અંદાજીત 12 ફુટ લંબો એક મગર મૃત હાલતમાં મળી આવ્યો હતો.
આ પણ વાંચો: વડોદરામાંથી 55 મગરોના રેસક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા
મૃત મગરને પ્રદુષિત વિશ્વામિત્રી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો
જ્યારે સોમવારે કાલાઘોડા સ્થિત વિશ્વમિત્રી નદીમાંથી વધુ એક મહાકાય મગર મૃત હાલતમાં જોવા મળ્યો હતો. જેથી આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના લશ્કરો દ્વારા ભારે જહેમત બાદ મૃત મગરને પ્રદુષિત વિશ્વામિત્રી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આમ છેલ્લા ત્રણ દિવસમાં 2 મૃત મગરો વિશ્વામિત્રી નદીમાંથી મળ્યાં આવ્યાં છતા તંત્રના પેટનુ પાણી હલતુ નથી.
આ પણ વાંચો: વડોદરા શહેરમાં પાણીની સાથે મગર પણ રસ્તા પર તણાઈ આવ્યા