વડોદરાઃ પાટીદાર સમાજના યુવાનો દ્વારા તેમના સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં થતાં અન્યાયને લઈને અનામતની માગ સાથે વર્ષ 2015માં થયેલું અનામત આંદોલન હિંસક બન્યું હતું. જેને લઈને પાટીદાર આંદોલન સમિતિના નેતાઓ વિરૂદ્ધ પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. જેને પરત ખેંચવાની માગણી કરવામાં આવી રહી છે.
દરમિયાન સરકારમાંથી મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન તથા રાજ્યના ગૃહ પ્રધાન દ્વારા આંદોલન સંદર્ભે થયેલા કેસો પરત ખેંચવાની પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ અને મીડિયા સમક્ષ જાહેરાત બાદ અમુક ચોક્કસ કેસો જ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યાં છે. આ ઉપરાંત હજૂ ઘણા જિલ્લાઓમાં આંદોલનકારીઓ પર કરાયેલા કેસો પરત ખેંચવાના બાકી છે. જેથી આ કેસો પરત ખેંચવામાં આવે તેવી માગ સાથે સોમવારે પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાતના નેજા હેઠળ વડોદરાના પાટીદાર અગ્રણી યુવાનોએ જિલ્લા કલેક્ટર કચેરીએે પહોંચી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો 5 માર્ચે ગુજરાતની બેઠક બોલાવી ગાંધી ચીંધ્યા માર્ગે પુનઃ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.