- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- સુરત મનપાની એપ્લિકેશનમાં આવી ખામી
- સુરત મનપાએ દાવો 10 હજાર બેડની વ્યવસ્થાનો દાવો કર્યો હતો
- ટેકનિકલ ખામીને કારણે આ સમસ્યા સર્જાઇ હશેઃ આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગર
સુરતઃ હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાએ દાવો કર્યો છે કે ડિજિટલ માધ્યમથી કોરોનાને અટકાવવા માટેની કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. લોકો ઘરે બેસીને શહેરની તમામ ખાનગી અને કોવિડ આઇસોલેશન સેન્ટર ખાતે બેડની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી શકશે અને આ માટે ખાસ પાલિકાની એપ્લિકેશન પર એક સેગમેન્ટ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં શહેરની તમામ કોવિડ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલના હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં ઓક્સિજન ટેન્કોની વ્યવસ્થા અંગે ETV Bharatનું રિયાલિટી ચેક
હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવામાં આવતા સંપર્ક ના થયો
લોકો ઘરે બેસીને કોરોના દર્દી અથવા તેના પરિજન હોસ્પિટલની જાણકારી મેળવી શકે અને જે તે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ શકે. ઇમરજન્સીમાં હેલ્પલાઇન નંબર થકી તે ડાયરેક્ટ હોસ્પિટલનો સંપર્ક કરી બેડની ઉપલબ્ધતા અંગેની જાણકારી મેળવી શકે. એટલું જ નહીં આ એપ્લિકેશન મા શહેરની હોસ્પિટલના નામ સાથે બેડની સંખ્યા અને હાલ ઉપલબ્ધ બેડની સંખ્યા પણ બતાવવામાં આવી છે. સાથે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે પરંતુ જ્યારે હેલ્પલાઇન નંબર ઉપર ક્લિક કરવામાં આવે તો અહીં વેબ પેજ નોટ અવેલેબલ (web page not available) બતાવે છે.
પરિણામ આવ્યું છે તે ચોંકાવનારું
ETV Bharatના સંવાદદાતા દ્વારા શહેરમાં જો કોઈ દર્દીને બેડની જરૂર હોય તો કેવી રીતે તે ઘરે બેસીને શહેરની હોસ્પિટલનો સંપર્ક કરી બેડ મેળવી શકે જે અંગેનું રિયાલિટી ચેક કર્યું હતું. ETV Bharatના સંવાદદાતા દ્વારા મહાનગરપાલિકાની એપ્લિકેશન પર જઇ કેટલા બેડ ઉપલબ્ધ છે આ અંગેની માહિતી મેળવવા પાલિકા દ્વારા આપવામાં આવેલા હોસ્પિટલના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંપર્ક કરાતા જે પરિણામ આવ્યું છે તે ચોંકાવનારું છે કારણકે આપવામાં આવેલા તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જો પાલિકા દ્વારા આપવામાં આવેલા હેલ્પલાઇન નંબર થકી કોઈ સંપર્ક કરવાની કોશિશ કરે તો તેમને માત્ર નિરાશા હાથ લાગે છે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણથી મૃત્યુઆંકમાં વધારો, સ્મશાની શું છે સ્થિતિ જાણો Etv Bharatનું રિયાલીટી ચેક
મહાનગરપાલિકાના દાવા પોકળ
ETV Bharat દ્વારા સર્વપ્રથમ એક ખાનગી હોસ્પિટલનો આપવામાં આવેલા હેલ્પલાઈન મુજબ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ત્યાં વેબ પેજ નોટ અવેલેબલ (web page not available) લખીને સ્ક્રીન પર આવે છે અને ત્યારબાદ બીજી એક ખાનગી હોસ્પિટલના હેલ્પલાઇન નંબર થકી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યાં પણ આવી જ સમસ્યા આવીને ઊભી રહી, એક પછી એક ચાર ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ એક પણ ખાનગી હોસ્પિટલ સાથે સંપર્ક થઈ શક્યો નહીં. સંપર્ક કરવામાં આવતા વેબ બેજ નોટ અવેલેબલ (web page not available) સ્ક્રીન પર આવે છે. ખાનગી હોસ્પિટલની વાત જવા દો જ્યારે ETV Bharatના સંવાદદાતા દ્વારા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યાં પણ આવા જ દ્રશ્ય જોવા મળ્યા હતા. ઘણી બધી હોસ્પિટલનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી પણ દરેક જગ્યાએ નિરાશા જ હાથ લાગી. તમે જોઈ શકો છો કે મહાનગરપાલિકાના દાવા કેટલા પોકળ છે.
આ અંગે ધારાસભ્ય હર્ષ સંઘવીએ શું કહ્યું ?
આ અંગે અત્યાર સુધી તેમને કોઇ માહિતી મળી નથી પરંતુ આ ટેકનિકલ એરર જે આવી રહી છે તે નહીં આવે. આ માટે તેઓ પાલિકાને રજૂઆત કરશે. લોકોની સમસ્યા દૂર થાય તે માટે આ અગત્યની બાબત છે. -ધારાસભ્ય હર્ષ સંઘવી
આ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે શું કહ્યું ?
ટેકનિકલ ખામીને કારણે આ સમસ્યા સર્જાઇ હશે. આ અંગે અમે અમારી ટેકનિકલ ટીમ સાથે વાત કરશે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું. -સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગર