સુરત : શહેરમાં અંદાજિત 15 લાખથી વધુ પરપ્રાતિય લોકો રોજગારી માટે સુરત આવ્યા હતા. જો કે લોકડાઉનના કારણે આ તમામ લોકો ફસાય ગયા હતા. પરપ્રાતિય દ્વારા એક જ માંગ કરવામા આવી રહી હતી કે તેઓને પોતાના વતન મોકલવામા આવે. આખરે કેન્દ્ર સરકાર અને સ્થાનિક સાંસદની મધ્યસ્થીથી ઓડિશાવાસીઓ માટે ટ્રેન શરૂ કરવામા આવી હતી.
જો કે, બાદમા ઓડિશા હાઇકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામા આવ્યો હતો. જેમા હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામા આવ્યો છે કે, દરેક ઓડિશાવાસીઓને કોવિડ-19 ટેસ્ટ કરાવવો પડશે. આ આદેશને લઇને સુરત કલેકટર દ્વારા ઓડિશા માટે ઉપડનારી તમામ ટ્રેનો રદ કરી દેવામા આવી છે. સાથો-સાથ કોવિડ 19 ટેસ્ટ વગર કોઇ પણ શ્રમિકને જવા દેવામા આવશે નહિ.
કલેક્ટરના આ આદેશને લઇને શુક્રવારે વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા લોકોની લાંબી કતારો જોવા મળી હતી. લોકો પોતાનો કોરોના ટેસ્ટ માટે પહોચ્યા હતા. હજારોની સંખ્યામા લોકો પોતાનો કોરોના ટેસ્ટમાટે લાંબી કતારોમાં ઉભા હતા. જો કે આ દરમિયાન તમામ લોકોમા સોસિયલ ડિસ્ટસીંગનો પણ અભાવ જોવા મળ્યો હતો.