નવસારી : સુરત બાદ નવસારી દુનિયામાં હીરાને લઈને જાણીતુ છે.નવસારીમાં તૈયાર થયેલા હીરાના બજારો ચીન, હોંગકોંગ અને અમેરિકા થઇ વિશ્વમાં વિસ્તરે છે. ગત વર્ષે મંદીનો માર સહન કર્યા બાદ તેમાંથી ઉભારવાનો પ્રયાસ કરતા હીરા ઉદ્યોગની ગાડી કોરોના વાયરસને લઈને ફરી પાટા પરથી ઉતરી રહી છે. રફ ડાયમંડ અને ત્યાર બાદ પોલીશ ડાયમંડનો સમગ્ર વેપાર વિદેશોથી જ થતો હોય છે. વિશ્વમાં ચીનથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે આર્થિક રફતાર ધીમી પાડવામાં હીરા ઉદ્યોગની ચમક પણ ઝાંખી પડી રહી છે. રફ ડાયમંડની ઘટ થવાને કારણે ઘણા કારખાના બંધ થવાને આરે છે. તો ઘણા કારખાનેદાર રત્નકલાકારોને સાચવી બેઠા છે.
હીરા ન મળવાની સ્થિતિ વધારે વિકટ બની તો હીરા ઉદ્યોગમાં વેકેશન પડે એવી સંભાવના પણ વર્તાઈ રહી છે. જેને કારણે નવસારીના અંદાજે 250 કારખાનામાં કામ કરતા 10 હજારથી વધુ રત્નકલાકારોને મંદીની માઠી અસર વેઠવી પડશે. સાથે જ કારખાનાઓમાં કોરોનાને લઇ જાહેર કરાયેલી ગાઈડ લાઈનનું પાલન કરવા નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસીએશને કારખાનેદારોને અપીલ કરી છે. કાચા હીરા આવતા બંધ થતા પોલીશ્ડ હીરાનાં ઉત્પાદનમાં પણ અંદાજે ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. સાથે જ તૈયાર થયેલો માલ મોટે ભાગે ચીન, હોંગકોંગ અને અમેરિકાના વૈશ્વિક બજારો મારફતે સમગ્ર વિશ્વમાં જાય છે.
જયારે ભારતમાં પણ મુંબઈ, દિલ્હી, જયપુર, કોલકત્તા, હૈદરાબાદ જેવા મોટા બજારોના વેપારીઓ પણ કોરોનાને લઈને આવતા બંધ થયા છે. જેને કારણે તૈયાર હીરાને બજાર ન મળતા વેપારીઓએ મોટું નુકશાન વેઠવું પડી રહ્યું છે. કોરોનાની પરિસ્થિતિ જોતા નવસારીમાં ચાલતા મોટી હીરા કંપનીઓ પણ મીની વેકેશન જાહેર કરી દે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ એક્સ્પોર્ટ ઉદ્યોગ ઠપ્પ થતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે અને સરકાર સામે મદદની આશા સેવી રહ્યા છે.
જેમ તેમ મંદીની માર સહન કર્યા બાદ ઉભો થતો નવસારીનો હીરા ઉદ્યોગ કોરોનાને કારણે ફરી મરણ પથારીએ જવાની તૈયારી છે. ત્યારે વેપારીઓ કોરોના મહામારીમાંથી વિશ્વ વહેલી રાહત મેળવે અને સ્થાનિક બજારો સાથે વૈશ્વિક બજારો ખુલે તો હીરા ઉદ્યોગને ઓક્સીજન મળી શકે એવી આશા સેવી રહ્યા છે.