- પડતર પ્રશ્નો અંગેની માગોને લઇ નવી સિવિલ હોસ્પિટલના પ્રોફેસરો હડતાળમાં જોડાયા હતા
- ગાંધીનગરથી તંત્ર દ્વારા બે દિવસમાં માગોનું નિર્ણય કરવાનો આશ્વાસન આપવામાં આવ્યું
- સાતમા પગાર પંચ પ્રમાણે NPA નથી મળી રહ્યું
સુરતઃ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સુર શિક્ષકો દ્વારા એક દિવસીય હડતાલ પાડવામાં આવી હતી. પડતર પ્રશ્નો અંગેની માગોને લઇ નવી સિવિલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજના તમામ પ્રોફેસરો હડતાલમાં જોડાયા હતા. સાતમા પગારપંચનો પુરેપુરો લાભ સહિત અન્ય પડતર માગણીઓ અંગે સરકાર દ્વારા બે દિવસમાં કોઈ નિવેડો નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી પણ તબીબી શિક્ષકોએ ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 1,700થી વધુ સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી, જુનિયર ડોક્ટર્સનું સમર્થન
બે દિવસમાં માગ અંગે નિર્ણય કરવાનું આશ્વાસન આપવામાં આવતા બપોર બાદ હડતાલ સમેટાઇ હતી
ગુજરાતના તબીબી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગેની માગને લઇને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના તમામ પ્રોફેસરો એક દિવસીય હડતાલ પર ઉતર્યા હતા. ગાંધીનગરથી તંત્ર દ્વારા બે દિવસમાં માગ અંગે નિર્ણય કરવાનું આશ્વાસન આપવામાં આવતા બપોર બાદ હડતાલ સમેટાઇ હતી. બીજી બાજુ બે દિવસમાં માગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી કોલેજના પ્રોફેસરે ઉચ્ચારી હતી.

તબીબી શિક્ષકો અને પ્રોફેસરોને 9 વર્ષ થઈ ગયા છતાં કાયમી કરાયા નથી
આ બાબતે ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલમાં સવારે 9 વાગ્યાથી પ્રતીક ઉપવાસ અને હડતાલ પર ઉતર્યા હતા. અમારા જુના પ્રોફેસરોની સેવા નિયમિત છે. તબીબી શિક્ષકો અને પ્રોફેસરોને 9 વર્ષ થઈ ગયા છતાં કાયમી કરાયા નથી. જેના બદલે કોન્ટ્રાક્ટ પર ડોકટરોને લાવીને 9થી 5ની નોકરીને કામચલાઉ કામ કરાવવા માગે છે. અમને 7માં પગારપંચનો પુરેપુરો લાભ નથી મળી રહ્યો. સાતમા પગાર પંચ પ્રમાણે NPA નથી મળી રહ્યું.

આ પણ વાંચોઃ સુરતમાં પગારની માગને લઈ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા
કોન્ટ્રાક્ટ એપોઇન્ટમેન્ટ બંધ થવી જોઈએ
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સિવિલ હોસ્પિટલમાં કામ કરતા બધા ડોકટરોને NPA મળી રહ્યું નથી અને જે જુના શિક્ષકો છે એમનો પગાર ઓછો કરવામાં આવી રહ્યો છે. સાથે જ કોન્ટ્રાક્ટ એપોઇન્ટમેન્ટ બંધ થવી જોઈએ. આ તમામ માગોને લઈ પ્રતીક ઉપાસવા અને હડતાલ પર ઉતર્યા હતા. બપોરે 1 વાગે ગાંધીનગર મેસેજ મળતા તેઓએ જણાવ્યું હતું કે, બે દિવસમાં માગોનું નિવારણ લાવવામાં આવશે.
