- ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા હોદ્દેદારોની થશે વરણી
- સહકારી અગ્રણી કિરીટ પટેલની પ્રમુખ તરીકે થઈ શકે છે બિનહરીફ વરણી
- 32 વર્ષ સુધી સુકાની રહેલા ભીખા ગજેરાએ લીધી નિવૃત્તિ
જૂનાગઢઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત અને સહકારી અગ્રણી કિરીટ પટેલ એપીએમસીના નવા ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઇ તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. ગત 16 તારીખે મતદાન હાથ ધરાયું હતું અને 17 તારીખે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઇ હતી, જેમાં તમામ ૧૨ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.
32 વર્ષ બાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને નવા સુકાની મળશે
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ તરીકે છેલ્લા 32 વર્ષથી પિઢ સહકારી આગેવાન ભીખા ગજેરા સતત સેવાઓ આપી રહ્યા હતા. તેમને જૂનાગઢ એપીએમસીના સંસ્થાપક પ્રમુખ તરીકે પણ માનવામાં આવે છે. 32 વર્ષના સફળ કાર્યકાળ બાદ તેઓએ આ વર્ષે એપીએમસીની ચૂંટણી નહીં લડીને રાજકીય સંન્યાસ લેવાની વાત પણ કરી હતી, ત્યારે સોમવારે 32 વર્ષ બાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને નવા સુકાનીઓ મળવા જઈ રહ્યા છે.
મત ગણતરીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોનો દબદબો
ગત 17 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખેડૂત વિભાગની 10 અને ખરીદ વેચાણ સંઘ વિભાગની બે બેઠકો પર મતગણતરી હાથ ધરાઇ હતી. આ તમામ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, વેપારી વિભાગની ચાર બેઠકો ચૂંટણી પૂર્વે જ બિનહરીફ વિજેતા જાહેર થઈ હતી. ત્યારે સોમવારે 32 વર્ષ બાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપનું શાસન જોવા મળશે.