- કાર્યક્રમ સ્થળે પાંચ લાખ જેટલું દાન એકત્ર થયું
- રામ મંદિરને લઈને જૂનાગઢમાં નિર્માણ નિધિ સમર્પણ અભિયાન શરૂ કરાયું
- પ્રથમ કલાકે 5 લાખ જેટલો ફાળો એકત્ર કરવામાં આવ્યો
- આગામી દિવસોમાં નિર્માણ નિધિનો કાર્યક્રમ વધુ વિસ્તૃત કરવામાં આવશે
જૂનાગઢઃ અયોધ્યામાં બનવા જઇ રહેલા રામમંદિર માટે શુક્રવારથી નિર્માણ નિધિ અભિયાનની શરૂઆત થઈ રહી છે. જેના ભાગરૂપે શુક્રવારે જૂનાગઢ શહેરમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ભાજપની સાથે તેની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ આર.એસ.એસ અને કેટલાક હિન્દુ સંગઠનોએ નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં જોડાયા હતા અને આ કાર્યક્રમ દરમિયાન અંદાજીત 5 લાખ જેટલો ફાળો સ્થળ પર એકત્ર કર્યો હતો. આ સાથે જ ભવનાથના મહંત ઇન્દ્રભારતી દ્વારા રામમંદિરની ફોટો ફ્રેમ આપીને તેને સન્માનિત પણ કર્યા હતા.
નિર્માણ નિધિ સમર્પણ અભિયાનનો આગામી દિવસોમાં વિસ્તાર કરવામાં આવશે
શુક્રવારથી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત થઇ છે, ત્યારે આગામી દિવસોમાં આ કાર્યક્રમ જિલ્લાના નાના નાના ગામડાઓ સુધી વિસ્તારવામાં આવશે. જેમાં પ્રત્યેક હિન્દુ ધર્મના લોકોને શારિરીક, માનસિક અને આર્થિક રીતે સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પ્રત્યેક હિન્દુ ઘરમાં રૂબરૂ મુલાકાત કરીને રામ મંદિરમાં નિર્માણ કાજે શક્ય તેટલી મદદ કરવાની વિનંતી પણ કરશે. શુક્રવારે 15મી જાન્યુઆરીથી શરૂ થયેલું આ મહા અભિયાન આગામી 27મી ફેબ્રુઆરી સુધી સતત ચાલુ રાખવામાં આવશે.