આ દરમિયાન પૂજા જૈન દ્વારા ચૂંટણી આચારસંહિતા અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આચારસંહિતાનો ભંગ ના થાય તે રીતે પોતાના સભા-સરઘસ, વાહનો પ્રચાર-પ્રસારની સામગ્રી સહિતના જરૂરી પ્રશ્નો અંગે અગાઉથી જ મંજૂરી લઈને કામગીરી કરવાની તાકીદ કરી હતી. આ બેઠક દરમિયાન અન્ય કેટલાક સ્થાનિક પ્રશ્નોને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પૂજા જૈને જણાવ્યું હતું કે, દમણ અને દીવમાં અત્યાર સુધીમાં આચાર સંહિતા ભંગની એક ફરિયાદ નોંધવામાં આવી છે. જે પેઇડન્યુઝ અંગેની છે. એ ઉપરાંત ગેરકાયદેસર લિકર સિઝર હેઠળ 4 લાખ રૂપિયાનો દારુ સીઝ કરવામાં આવ્યો છે. જ્યારે રોકડ નાણાકીય વ્યવહાર અંગે હજુ એક પણ કેસ નોંધાયો નથી.
તો દમણમાં કુલ કેટલા મતદારો છે? અને તેમાં કેટલા સ્ત્રી-પુરુષો છે? તેની ચોક્કસ આંકડાકીય માહિતી અંગે જણાવ્યું હતું કે, હાલમાં અમારી પાસે 1.19 લાખથી વધુના મતદારો હોવાની આંકડાકીય વિગતો મળી છે. જેમાં કેટલા સ્ત્રી-પુરુષો છે તેની માહિતી ઉપલબ્ધ નથી. જે આગામી દિવસોમાં મેળવીને આ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. લોકસભા ચૂંટણી અંતર્ગત થઈ રહેલી કામગીરી અંગે તેમણે જણાવ્યું હતું કે, તમામ ટીમ બનાવવામાં આવી છે જેમાં નોડલ ઓફિસર, SST, VST, ફ્લાઇંગ સ્કોડ VVT સહિતની ટીમ બનાવી લોકસભા ચૂંટણી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. EVM સહિતની તમામ મશીનરી અંગે પણ ચોકસાઈ રાખવામાં આવી રહી છે. અને તંત્ર લોકસભા ચૂંટણીને લઈને પૂર્ણ સજ્જ હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.
ચૂંટણી અધિકારી પૂજા જૈને લોકસભા ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ કરવામાં થતા ખર્ચ અંગે ખાસ રેટ ચાર્ટ બનાવ્યો હોવાનું અને તે અંગે ઉમેદવારોએ ખર્ચનો હિસાબ આપવાનો રહેશે તેવું જણાવ્યું હતું. દમણના સચિવાલયમાં આયોજિત લોકસભા ચૂંટણી અંગેની બેઠકમાં ચૂંટણી અધિકારી પૂજા જૈને જણાવ્યું હતું કે, જે પણ પક્ષના ઉમેદવારો છે તેમણે પોતાનો મેનિફેસ્ટો મતદાનના 48 કલાક પહેલા જાહેર કરવાનો રહેશે. માટે તમામ પક્ષના પ્રતિનિધિઓને આ નિયમનું પાલન કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં દમણના ભાજપ, કોંગ્રેસ સમાજવાદી પાર્ટી અને અપક્ષ ઉમેદવારના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.