- છેલ્લા ચાર વર્ષમાં મહિલાઓની સંખ્યા બમણી થઈ
- નેશનલ ફેમિલ હેલ્થ સર્વે-5માં ચોંકાવનારા આંકડા
- પાર્ટી કલચર વધ્યું છેઃ સમાજશાસ્ત્રી
અમદાવાદ: ગુજરાત દારૂ બંધીવાળું રાજ્ય છે. તેમ છતાં સૌથી વધુ દારૂ ગુજરાતમાંથી પકડાય છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં જણાવ્યા મુજબ રાજ્યમાં દારૂ પીવામાં મહિલાઓનું પ્રમાણ બમણું થયું છે.
ગુજરાત ખરેખર દારૂબંધીવાળું રાજ્ય છે?
છેલ્લા ચાર વર્ષમાં મહિલાઓમાં ટકાવારીની દ્રષ્ટિએ દારૂનું સેવન બમણું થયું છે. 1960માં સ્થાપના પછીથી ગુજરાત દારૂબંધીવાળુ રાજ્ય છે. તાજેતરમાં જારી થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં (એનએફએચએસ-5) 2019-20 માટે અહેવાલમાં ગુજરાતમાંથી કુલ 33,343 મહિલાઓ અને 5,351 પુરુષો NFHS-5 હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. સર્વેક્ષણ કરેલી મહિલાઓમાં લગભગ 200 મહિલાઓ(0.6ટકા) એ દાવો કર્યો હતો કે તેઓ દારૂ પીતા હતા. જેમાં 68 મહિલાનો વધારો થયો છે. જેણે વર્ષ 2015-16ના એનએફએચએસ -4 સર્વેમાં આવું કહ્યું હતું.
ગુજરાતમાં 22,932 મહિલાઓનો કરાયો સર્વે
એનએચએફએસ -4 માટે, ગુજરાતમાં નમુનાનું કદ 22,932 મહિલાઓ અને 5,574 પુરુષો હતું. જોકે, બંને સર્વેક્ષણની સરખામણી એ પણ દર્શાવે છે કે પુરુષો વચ્ચે દારૂનું સેવન આ સમયગાળા દરમિયાન અડધું થઈ ગયું છે. 2015-16ના સર્વેમાં 618 પુરુષોએ (5574ના 11.1 ટકા) દાવો કર્યો હતો કે તેઓ દારૂ પીતા હતા, અને તેમાં 310 પુરુષોનો ઘટાડો થયો છે. 5351ના 5.8 ટકાના તાજેતરનો સર્વે છે.
શું કહ્યું સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ
સમગ્ર ગુજરાતની અડધા કરતા વધુ વસ્તી 1990 બાદ જન્મી છે. છેલ્લા દસ વર્ષમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના પુરુષો પરિવારની હાજરીમાં દારૂ પીતા થયા છે. ઘરના પ્રસંગોમાં પણ દારૂનું ચલણ વધ્યું છે. વળી, જન્મદિન, નવી નોકરી, કીટી પાર્ટી વગેરે મેળાવડાઓમાં દારૂ ઉજાણીનું સાધન બની રહે છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનાં પુરતા પ્રયત્નો નહીં: સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની
ગુજરાતમાં 15 ટકા વસ્તી આદિવાસીની છે. આ કોમ્યુનિટીમાં મહુડાના દારૂનું ચલણ છે. મહુડાનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. જે મહિલાઓ પણ આરોગે છે. વળી ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનાં સફળ પ્રયત્નો થયા નથી.