- 21 જૂનના રોજ 7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે
- વડાપ્રધાન મોદી સવારે 6:30 કલાકે રાષ્ટ્રને સંબોધશે
- 45 મીનિટના કાર્યક્રમમાં યોગાભ્યાસનું પ્રસારણ કરાશે
નવી દિલ્હી : વિશ્વ યોગ દિવસ (International Yoga Day) નિમિત્તે વિશ્વભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આવતીકાલે સોમવારે મહામારી વચ્ચે દેશભરમાં વિશ્વ યોગ દિવસને લગતા સમારોહનું આયોજન કરવામાં આવશે. વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે,"કાલે 21 જૂનના રોજ 7મા યોગ દિવસની ઉજવણી કરીશું. આ વર્ષનો વિષય યોગા ફોર વેલનેસ (Yoga For Wellness) છે, જે શારિરીક અને માનસિક કલ્યાણ માટે યોગના અભ્યાસ પર કેન્દ્રિત છે." આ સાથે તેમણે સવારે 6:30 કલાકે સવારે લગભગ 6:30 કલાકે યોગ કાર્યક્રમને સંબોધિત કરવાની જાહેરાત પણ કરી હતી.
યોગનું સીધું પ્રસારણ
સવારે 6:30 કલાકથી શરૂ થનારા વિશ્વ યોગ દિવસ (International Yoga Day) ના કાર્યક્રમોનું તમામ દૂરદર્શન ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સિવાય કેન્દ્રિય આયુષ પ્રધાન કિરેન રિજ્જૂ પણ સંબોધન કરશે. આ સિવાય મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન ખાતે યોજાનારા યોગા પ્રદર્શનનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.
45 મીનિટનો યોગાભ્યાસ
કોરોના મહામારીને લઈને જાહેર મેળાવડાઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ના કાર્યક્રમો પણ કોવિડ ગાઈડલાઈનને અનુસરીને જ યોજવામાં આવ્યા છે. વડાપ્રધાનના સંબોધન બાદ યોગાભ્યાસનું પ્રસારણ સવારે 7થી 7:45 વાગ્યા સુધી કરવામાં આવશે.
કાર્યક્રમ બાદ 15 આધ્યાત્મિક યોગગુરૂઓના સંદેશાઓ પ્રસારિત કરાશે
આયુષ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) નિમિત્તે સવારે 7 વાગ્યે યોગ પ્રદર્શન શરૂ થશે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા છે. લગભગ 45 મીનિટ માટે યોજાનારા આ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ 15 આધ્યાત્મિક યોગગુરૂઓના સંદેશાઓ પણ પ્રસારિત કરવામાં આવશે. જેમાં જગ્ગી વાસુદેવ, ડૉ. એચ. આર. નાગેન્દ્ર સહિતના પ્રબુદ્ધ લોકોના સંદેશાઓ પણ પ્રસારિત કરાશે.