જયપુરઃ એક બાજુ કોરોના વાઈરસના કારણે માસ્કની કાળાબજારીના સમાચારો મળી રહ્યા છે. પરંતુ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાંથી અઢી લાખ માસ્ક ગાયબ થયા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.
માસ્કનો આટલો મોટો જથ્થો એક સાથે ચોરાયો હોવા છતાં નવાઈની વાત એ છે કે, હોસ્પિટલ સંચાલકોને આ બાબતની ગંધ સુધ્ધા આવી નથી. ગુમ થયેલા માસ્ક સારી ગુણવત્તાના હતા. એન-95 માસ્ક બજારમાં 400 રૂપિયામાં વેચાઈ છે. આ માસ્ક હોસ્પિટલના ડોકટર્સ, નર્સ અને અન્ય કર્મચારીઓ માટે મંગાવાયા હતાં. માસ્ક ગાયબ થવાથી મોટા ભાગના કર્મચારીઓને માસ્ક મળ્યા નથી. ચોરાયેલા માસ્કની કિંમત આશરે 10 કરોડ થાય છે.
આ મામલે વકીલ અને સામાજીક કાર્યકર પૂનમચંદ ભંડારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 'ઘોડા ભાગી ગયા બાદ તબેલા'ને તાળા મારતા હોય તેમ પોલીસ ફરિયાદ બાદ હોસ્પિટલના કર્તા હર્તાઓએ મામલાની તપાસ માટે તપાસ સમિતિની રચના કરી છે. જે જવાબદાર લોકો સામે પગલાં ભરશે.