સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી અમી સોસાયટીમાં રહેતા આ પરિવાર પર પુત્રના મોતને લઈ આભ તૂટી પડ્યો છે. કારણ છે પરિવારના જુવાન દીકરાનું મોત. આ પટેલ પરિવારનો દીકરો દક્ષિણ આફ્રિકા પૈસા કમાવા ગયો હતો અને સાડા ત્રણ વર્ષથી આ ગરીબ પરિવારનો આધાર બન્યો હતો. પરંતુ 16 માર્ચે અચાનક એવી ખબર આ પરિવારને મળી કે સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સાત સમંદર પાર પરિવારના પુત્ર સીરાજ યાકુબ પટેલની તેના જ મિત્રોએ ઘાતકી હત્યા કરી નાખી હતી. રાંદેરમાં રહેતા યાકુબ પટેલનો પુત્ર સીરાજ આફ્રિકા રોજી રોટીની શોધમાં ગયો હતો અને બીજો પુત્ર ઇમરાન માતા પિતા અને પોતાના પરિવાર તેમજ ભાઈના બે પુત્રો અને ભાભી સાથે સુરત ખાતે સ્થાયી છે. સીરાજે આફ્રિકાના જોહનીસબર્ગ માં ત્યાં જ ભેગા થયેલા અને મૂળ ભરૂચ જિલ્લાના કાવી ગામના વતની એયાઝ ચિચી સાથે ધંધાકીય વ્યવહારો શરૂ કર્યો હતો. જંબુસરના રહેવાસી એયાઝ બાપુ અને માઝ ઇસ્માઇલ લેફટી સાથે પણ મિત્રતા થઈ હતી.
સીરાજે એયાઝ સાથે એક દુકાન શરૂ કરી હતી. પરંતુ દુકાન નહીં ચાલતા બંધ કરી દેવામાં આવી હતી. દુકાનનો કબ્જો એયાઝને મળતા તેને સીરાજને પૈસા આપવાના હતા. બસ આ પૈસાના મુદ્દે જ મિત્રો વચ્ચે દુશ્મનીના બીજ રોપાયા હતા. જેના પગલે પૈસાની ઉઘરાણી કરી રહેલા સીરાજને એયાઝે મળવા બોલાવ્યો હતો અને અન્ય મિત્રો એયાઝ બાપુ અને માઝ ઇસ્માઇલ લેફટી સાથે મળી સીરાજની હત્યા કરી નાખી હતી.
આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. જોહનીસબર્ગ પોલીસે CCTV ફૂટેજ મેળવી ફરાર હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. CCTVમાં ત્રણેય આરોપીઓની ક્રૂરતા સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઘટનાની જાણ સુરતના રાંદેરમાં રહેતા સીરાજના પિતા યાકુબ પટેલ અને ભાઈ ઇમરાનને થતા જ તેઓ પર જાણે આભ તૂટી પડ્યું હતું. સીરાજના બે પુત્રો અને પત્નીની આંખના આંસુ સુકાવાનું નામ નથી લઇ રહ્યા. પરિવાર એક જ માંગણી કરી રહ્યો છે કે આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
હાલ આરોપીઓ તો ફરાર છે ,પરંતુ જે પરિવારનો પુત્ર સહારો બન્યો હતો, તે સહારો જ પરિવારથી છીનવાઈ ગયો છે. જેના કારણે બે માસુમ બાળકો પરથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે, તો માતા-પિતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે. હાલ પરિવાર શોક મગ્ન સ્થિતિમાં છે. જ્યાં સ્થાનિક અને પરિવારના અન્ય સભ્યો દ્વારા સાંત્વના આપવામાં આવી રહી છે.