કેરળ : નિરંતર વહેતી મધુવાહિની નદીના કિનારે આવેલું છે મધુર મદનંનેશ્વર સિદ્ધિવિનાયક મંદિર. એક 5000 વર્ષ જૂની પવિત્ર સંરચના. આ મંદિરમાં ભગવાન શ્રીગણેશની માટીની પ્રતિમા આવેલી છે. જે સ્વયંભૂ પ્રગટ થઇ હતી તેવી માન્યતા છે. આ મંદિરના મુખ્ય દેવ પરમ શિવ છે પરંતુ ભગવાન સિદ્ધિવિનાયકની અહીં વિશેષ પૂજા થાય છે.
આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં કોઇ પ્રકારના મેળાનું આયોજન કે તહેવારોની ઉજવણી થતી નથી, ભગવાનને ફક્ત ભોગ ચડાવવામાં આવે છે. જે ચોખામાં ખાંડ નાખીને બનાવવામાં આવે છે. એકાંતરે આ ભોગ ચડાવાય છે જેને 'મુડપ્પા સેવા' કહેવામાં આવે છે.
મંદિરની આજુબાજુના વિસ્તારમાં શહેરીકરણના કારણે ઘણા ફેરફાર થયા છે પરંતુ આ મંદિર તેની જટિલ સંરચનાને કારણે દર્શનાર્થીઓને અભિભૂત કરી દે છે. આ મંદિરમાં પાંચ પાંડવોની મૂર્તિઓ ઉપરાંત શિવલિંગ પણ આવેલું છે. મંદિરની દિવાલો ઉત્કૃષ્ટ શિલ્પ સ્થાપત્યો અને આકર્ષક ચિત્રોથી સજ્જ છે. મલબાર ક્ષેત્રના કેટલાક લોકપ્રિય મંદિરોની જેમ જ આ મંદિરમાં વિશાળ હાથીની પ્રતિકૃતિ આવેલી છે.
મંદિરની નજીક જ એક સુંદર તળાવ આવેલુ છે. માનવામાં આવે છે કે તેના પવિત્ર જળમાં ઔષધીય ગુણો છે જે ત્વચાના રોગોને મટાડી શકે છે. આ એ જ તળાવ છે જેણે ટીપ્પુ સુલતાનનો તેના મલબાર પરના આક્રમણ દરમિયાન કાયાકલ્પ કર્યો હતો. ટીપ્પુ સુલતાને જ્યારે આ મંદિર પર આક્રમણ કર્યુ હતું ત્યારે તેણે મંદિરના શિખર પર રહેલી તલવાર ખેંચી લીધી હતી. જેના નિશાન હજુ પણ ત્યાં જોવા મળે છે.
મયીપ્પડી રાજાના શાસનકાળમાં આ મંદિર બંધાવવામાં આવ્યું હતું. તે સમયે મધરુ નામની એક મહિલા પાસે શિવલિંગ હતું જેની તેણે મંદિર બનાવી સ્થાપના કરી. ત્યારપછી આ જગ્યા મધુર નામે ઓળખાય છે. આ મંદિરની કોતરણીમાં કન્નડ અને મલયાલી શૈલીનું અનોખુ મિશ્રણ છે. જેથી કર્ણાટક અને કેરળથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે આવે છે. સત્તાધીશો દ્વારા આ પ્રાચીન મંદિરનું નવીનીકરણ કરતી વખતે મંદિરની મૂળ રચનામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.