હૈદરાબાદઃ વિશ્વના સૌથી સાત સમૃદ્ધ અર્થતંત્ર ધરાવતા દેશોનું સંગઠન ગ્રુપ ઑફ સેવન (G7) તરીકે ઓળખાય છે. 1975માં તેની સ્થાપના થઈ ત્યારે તેમાં અમેરિકા, કેનેડા, યુકે, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને જાપાનનો સમાવેશ થતો હતો. બાદમાં તેમાં રશિયાને જોડવામાં આવ્યું અને તે G8 થયું, પણ બાદમાં ક્રિમિયાના વિસ્તારને રશિયાએ પોતાનામાં મેળવી દીધો ત્યારે તેની હકાપટ્ટી કરી દેવામાં આવી હતી. આજે G7 દેશોમાં વિશ્વની 11% વસતિ છે, પણ તેની કુલ નેટ વર્થ ($317 ટ્રિલિયન) છે, જે વિશ્વના 58% જેટલી થાય છે. વિશ્વના કુલ જીડીપીનો 46% ટકા આ 7 દેશોનો છે. વિશ્વના દેશો સાથે G7 દેશો અગત્યના વેપારી સાથીઓ છે વિશ્વની કુલ નિકાસમાંથી ત્રીજા ભાગની આ સાત દેશોમાંથી થાય છે. એ જ રીતે કુલ આયાતમાંથી 35% આ દેશો આયાત કરે છે.
જૂન મહિનામાં G7 સમીટ યોજાવાની હતી, પણ તે હવે સપ્ટેમ્બર પર મુલતવી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમીટમાં ભારત, રશિયા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને આમંત્રણ આપવાનું નક્કી કર્યું છે. ભારત માટે આને કેટલું મહત્ત્વ છે? ભારત હાલમાં આટલું જ મજબૂત સંગઠન G20માં સભ્ય દેશ છે જ. હકીકતમાં અન્ય દેશો સાથે નાણાંકીય સહયોગ નહિ થાય તો આગળ નહિ વધાય તેનો ખ્યાલ G-7 દેશોને આવ્યો તે પછી જ વધુ મોટું G-20 જૂથ તૈયાર થયું. તેમાં ભારત, ચીન, તુર્કી, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પણ સમાવી લેવાયા. હાલના વર્ષોમાં G7 કરતાં પણ G20નું મહત્ત્વ વધી ગયું છે. જૂથને વધારવા માટેનો અમેરિકાનો પ્રયાસ ચીનને એકલું પાડી દેવાનો છે અને G-20માં ભાગલા પાડવાનો છે, કેમ કે તે જૂથ 90 ટકા નાણાકીય વ્યવસ્થાપન ધરાવે છે.
G7 સમીટનો મુખ્ય ઉદ્દેશ સાત દેશો ઉપરાંત આમંત્રિત રાષ્ટ્રો સાથે એ ચર્ચા કરવાનો છે કે ચીનનો સામનો કેવી રીતે કરવો. અમેરિકાએ હાલમાં જ ચીન વિશેનો નવો વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડ્યો છે, જેમાં આક્ષેપ કરાયો છે કે ચીન નિયમો પર ચાલતા વિશ્વમાં લાભ લઈ જાય છે અને વિશ્વની સિસ્ટમને એવી રીતે બદલવા કોશિશ કરી રહ્યું છે કે જેથી ચીન સામ્યવાદી પક્ષની વિચારસરણી અને હિતોને જ ફાયદો થાય.
ચીન સામે અમેરિકાનો વ્યૂહાત્મક એપ્રોચ એવો અહેવાલ પણ અમેરિકાએ તૈયાર કર્યો છે. તેમાં પણ ચીન સામ્યવાદી પક્ષ તરફથી ઊભા થયેલા પડકારોનો સામનો કરવાની જ વાત જણાવવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને આયાત પર વેરા નાખવાના મુદ્દે બંને દેશો વચ્ચે થયેલા શીત યુદ્ધને કારણે વિશ્વ પર શું અસર થઈ શકે છે તેની ચિંતા જાગી છે. અમેરિકા પોતાના પ્રભાવમાં રહેલી બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો પણ ઉપયોગ કરીને અને સાથી દેશોને સાથે રાખીને ચીનને ભીંસમાં લેવાની કોશિશ કરશે. જોકે જુદા જુદા દેશો શું પ્રતિસાદ આપે છે અને જૂથને મોટું કરીને ખરેખર અમેરિકા શું કરવા માગે છે તે જોવાનું રહે છે.
ભારતને ઓફર થઈ છે, પણ તેનાથી બહુ રાજી થવાની જરૂર નથી એમ ઘણા જાણકારો કહી રહ્યા છે. ભારતને વિકસિત દેશ સમાન ગણીને સભ્ય બનાવવાની વાત છે. જોકે આ કંઈ ભારત માટેની પશ્ચિમની ઉદારતા નથી, પરંતુ તેમની મજબૂરી છે કે તેમણે ભારતની વધતી જતી ક્ષમતાનો સ્વીકાર કરવો પડે તેમ છે. પરંતુ ભારતે સંતુલિત અભિગમ દાખવવો પડશે. ભારતને આ ક્લબમાં જોડાવાનો કોઈ વાંધો ના હોય, પણ ભારતને રશિયા અને ચીન સામે ઊભું કરવાની વાત હોય ત્યાં કાળજી લેવી જોઈએ.
ભારતને સાતેય મહત્ત્વના દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો આમ પણ છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ જોડાતા હોય તો તેની સાથે પણ વેપારી સંબંધો મજબૂત થઈ શકે છે. કોરોના સંકટ પછી અર્થતંત્રને બહાર લાવવામાં આ સંબંધો ઉપયોગી થઈ શકે છે અને ચીન પરની નિર્ભરતા ઓછી પણ થઈ શકે. જોકે ભારત માટે અત્યારે થોભો અને રાહ જુઓની નીતિ વધારે યોગ્ય રહેશે, કેમ કે ટ્રમ્પ ફરીથી જીતી શકે તેની કોઈ ખાતરી નથી. વ્હાઇટ હાઉસમાં નવા પ્રમુખ આવવાનો હોય તો સંબંધો વિશે નવેસરથી વિચારવાનું થાય.
આ સમયગાળા દરમિયાન G7 દેશોના અર્થતંત્ર ધીમા જ પડી રહ્યા છે અને તેમનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘટતું રહ્યું છે. ભૂતપૂર્વ એમ્બેસેડર અનિલ ત્રિગુણાયતે કહ્યું તે પ્રમાણે “ટ્રમ્પ આ સાતે દેશોના વડાઓ સાથે આમ પણ લગભગ આથડી પડેલા છે અને ટ્રાન્સ એટલાન્ટિક સંબંધો પણ મુશ્કેલીમાં છે. અત્યારે ટ્રમ્પને ચૂંટણી પ્રચાર કરવામાં ચીન પર પ્રહારો કરવાનું હાથવગું થઈ પડ્યું છે એટલે તેઓ G7ને વિસ્તૃત કરીને તેમાં ચાર દેશોને જોડવાની વાત કરી રહ્યા છે.” તેથી જ એશિયા પ્રોજેક્ટના ભાગરૂપે તથા વિશેષ કરીને ઇન્ડો-પેસિફિક સંદર્ભમાં આમ કરવું જરૂરી પણ બન્યું છે અને તેથી જ સમીટમાં ઓસ્ટ્રેલિયા, ભારત, રશિયા અને દક્ષિણ કોરિયાને આમંત્રણ આપવાની વાત છે.
સ્થિતિ કેવી રીતે પલટાય છે તે રીતે કદાચ વધુ દેશોને પણ જોડવામાં આવે. સ્ટ્રેટેજિક રીતે સ્પર્ધામાં હોવા છતાં અમેરિકા અને રશિયા વિશ્વના કેટલાક તંગદિલીભર્યા પ્રદેશોમાં કામ કરી રહ્યા છે અને તે સંજોગોમાં રશિયાની ગેરહાજરી ટ્રમ્પને ખલતી હોય તેવું બને. તેમના જણાવ્યા અનુસાર, “ભારતનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ વધી રહ્યું છે તેનો આ રીતે સ્વીકાર પણ થયો ગણાશે. આ દેશો સત્તાવાર રીતે સભ્યો બને છે કે કેમ તે જોવાનું રહે છે, પણ અત્યારે તો તે ટ્રમ્પનો જ વિચાર છે અને G7ની મર્યાદાનો સ્વીકાર છે. જૂનમાં સમીટ ના થઈ તે માટે તેમણે જુદા જુદા કારણો આપ્યા છે, પણ મહત્ત્વનું કારણ કોરોના સંકટ છે. G20ના દેશોના વડાઓ વચ્ચે ચર્ચા થઇ ત્યારે કોરોના સંકટની ચર્ચા થઈ જ હતી અને તેની ચિંતા હજી પણ છે. જોકે ચર્ચા પછી શું નક્કી પરિણામો આવ્યા તે હજી સ્પષ્ટ થયું નથી.
G-7થી મેક ઇન ઇન્ડિયા માટે તક
ભારત આર્થિક રીતે મજબૂત બન્યું છે માત્ર તેના કારણે જ આમંત્રણ મળ્યું છે અને તેથી જ ભારતે તે સ્વીકારી લેવું જોઈએ તેવું જરૂરી નથી. ભારતે વિશ્વના સૌથી અગત્યના આર્થિક તાકાત ધરાવતા દેશો સાથે વધારે વ્યૂહાત્મક જોડાણની રીતે પણ વિચારવું જોઈએ. તેનાથી પોતાની વિકાસની ગતિ પણ વધી શકે છે. કોરોના સંકટના કારણે ઘણી કંપનીઓને ખ્યાલ આવ્યો છે કે પોતાના કાચા માલના પુરવઠા માટે માત્ર ચીન પર આધાર રાખવો મુશ્કેલી કરી શકે છે. તેથી વિકલ્પો શોધવા પણ જરૂરી બન્યા છે.
ભારતના અર્થતંત્રને પણ કોરોનાને કારણે ફટકો પડ્યો છે અને તેથી જ ભારત સરકારે વિદેશી કંપનીઓને આકર્ષવા માટે કેટલાંક પગલાંઓની જાહેરાત પણ કરી છે. G-7 દેશોના જૂથમાં સ્થાન મળવાના કારણે ભારત મહત્ત્વનું ઉત્પાદન કેન્દ્ર બનવા માગે છે તે યોજના પણ પાર પડી શકે છે.
ભારતને વ્યૂહાત્મક ફાયદો
ભારતને હજી સત્તાવાર રીતે જૂથમાં જોડાઈ જવા માટેનું આમંત્રણ નથી મળ્યું, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી સમીટમાં હાજર રહેવા માટેનું ટ્રમ્પનું આમંત્રણ સ્વીકારી લીધું છે. ભારત અને ચીન વચ્ચે તંગદિલી વધી રહી છે ત્યારે ભારત માટે તે લાભદાયક છે કે બહુરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પોતાની વિદેશ નીતિને પણ બખૂબી ઉપયોગમાં લાવીને ચીનના વિસ્તારવાદી વલણ સામે ચિંતા જગાવી શકાય.
કોરોનાનો ચેપ ફેલાયો ત્યારે પ્રારંભમાં ચીને માહિતીઓ છુપાવવાની કોશિશ કરી હતી તેવા આક્ષેપો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કરેલા જ છે. ટ્રમ્પે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે ચીન વિશ્વ આરોગ્ય સંસ્થા પર વધારે પડતો પ્રભાવ દાખવી રહ્યું છે. આ બધી બાબતોનો ફાયદો ભારત ઉઠાવી શકે છે.
પ્રમુખ ટ્રમ્પે ચાર વધુ દેશોને આમંત્રણ આપવાની વાત કરી તે પછી તેના વિશે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જે પ્રતિસાદ આપ્યો તેનાથી પણ ખ્યાલ આવે છે કે ચીન પણ ચિંતામાં મૂકાયું છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે તે સરહદ વાસ્તવિક અંકુશ રેખા પર તંગદિલ ઘટાડવા માગે છે, પરંતુ ભારત વૈશ્વિક રીતે મહત્ત્વના આવા જૂથ સાથે વધારે વ્યૂહાત્મક જોડાણ કરીને ચીનને દબાણમાં રાખવાનો વ્યૂહ અપનાવી શકે છે.