ભારતમાં 18 વર્ષથી નીચેના કિશોરોની સંખ્યા 44.4 કરોડ છે, તેમાંથી 4 કરોડ બાળકો ગરીબ પરિવારના છે એમ યુનીસેફે જણાવ્યું હતું. તેના કારણે બાળકોના અધિકારનો મામલો પણ ઊભો થાય તેવી શક્યતા છે એમ સંસ્થાનું માનવું છે.
સૌથી વધુ મુસીબતમાં મુકાયા છે લાખો બાળકો, જે શહેરોમાં ફૂટપાથ અને રસ્તા પર, ફ્લાયઓવરની નીચે કે સાંકડી ગલીઓમાં ઝૂંપટપટ્ટીમાં રહે છે. માત્ર દિલ્હીમાં જ તેવા બાળકોની સંખ્યા 70,000થી એક કે બે લાખ સુધીની હશે.
ઈટીવી ભારત સાથેની મુલાકાતમાં યુનીસેફના ભારત ખાતેના પ્રતિનિધિ ડૉ. યાસ્મિન અલી હકે કહ્યું કે: “COVID-19 વૈશ્વિક રોગચાળાને કારણે ભારતમાં સીધી કે આડકતરી રીતે કરોડો બાળકોને અસર પહોંચી છે. સૌથી વધુ મુસીબતમાં મૂકાયા છે ગરીબોના બાળકો, જે શેરીઓમાં, ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. શહેરોમાંથી ગામડે જવા નીકળી પડેલા રોજમદારોના બાળકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.”
“કેન્દ્રા પ્રધાનો, રાજ્ય સરકારો અને જિલ્લાના અધિકારીઓ સાથે મળીને યુનીસેફ કામ કરી રહ્યું છે, જેથી આવા બાળકોને અલગ તારવીને તેમને સહાય કરી શકાય.”
ઘરમાં હિંસાનો સામનો કરવાથી માંડીને ભૂખ્યા રહેવા સુધીની મુસીબતોમાં આ બાળકો મૂકાઈ શકે છે. તેના કારણે ઘણા બાળકો હેલ્પલાઇનને પણ ફોન કરીને ભોજન માટે સહાય માગી રહ્યા છે.
સરકાર તરફથી ચાલતી ચાઇલ્ડલાઇન સર્વિસ પર 3 લાખથી વધુ ફોન આવ્યા છે તેમ જણાવતા કહે કહ્યું કે: “તેમની માનસિક સ્થિતિ અને તેમનો તણાવ પણ ચિંતાનું કારણ છે, કેમ કે તેની શાળાઓ બંધ છે અને રાબેતા મુજબનું જીવન ખોરવાઈ ગયું છે. યુનીસેફ ચાઇલ્ડલાઇન સાથે મળીને આ પ્રકારના મદદ માગનારા બાળકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે માટે સ્ટાફને તાલીમ આપવા સહિતનું કામ કરી રહી છે.”
યુનીસેફ આ કાર્ય કેવી રીતે કરે છે?
“યુનીસેફ જુદા જુદા જૂથો સાથે મળીને, કિશોરોનું જૂથ, યુવાઓનું જૂથ, સમુદાયના મંડળો, અગ્રહરોળમાં કામ કરતી સંસ્થાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પોલીસ તથા ચાઇલ્ડ વેલફેર પ્રોટેક્શન ઓફિસર વગેરે સાથે મળીને કામ કરી રહ્યું છે. કેટલાક શહેરોમાં આ બધાની મદદથી પરિવારો, વાલીઓ, બાળકો અને યુવાઓને મેસેજ પહોંચાડવાનું કામ કરી રહી છે,” એમ હકે વધુમાં જણાવ્યું હતું.
“16,000 ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર માટે COVID-19ને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન માટે ઓનલાઇન સેશન યોજાયું હતું, જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયનો સહયોગ મળ્યો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો-સાયન્સ સાથે મળીને પણ યુનીસેફ બાળકોને મુસીબતમાં સમયમાં વિશેષ મદદ પહોંચાડી રહ્યું છે. તે માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે,” એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
-ચંદ્રકલા ચૌધરી