ગ્રાઉન્ડ રિપોર્ટ અને હાલમાં થયેલા ઓપિનિય પોલ પ્રમાણે પરિસ્થિતિ AAP માટે સાનુકૂળ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં નબળો દેખાવ કર્યા પછી AAP તેમાંથી બહાર આવી ગયો હોય તેમ લાગે છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કર્યો હતો અને 57% જેટલા જંગી મતો સાથે સાતેસાત બેઠકો જીતી લીધી હતી.
જોકે હવે એવું લાગે છે કે લોકસભામાં ભલે ભાજપને મત આપ્યો હોય, વિધાનસભામાં AAP તરફી મતદાન કરવાનું મતદારોએ નક્કી કરી લીધું છે. કેન્દ્રમાં સરકાર બનાવવી અને દિલ્હીની સ્થાનિક સરકાર ચૂંટવી બંનેમાં ફેર છે એવું મતદારો દર્શાવી રહ્યા છે.
બે બાબતોને કારણે AAP તેમના હરિફોથી આગળ નીકળી રહ્યો છે - એક છે કેજરીવાલ સરકાર દ્વારા, વિશેષ કરીને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં થયેલું કામ અને બીજું પક્ષના નેતા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની નેતા તરીકેની લોકપ્રિયતા. તેમની સામે ભાજપ કે કોંગ્રેસમાં કેજરીવાલની લોકપ્રિયતા સામે ઊભો રહી શકે તેવો એક પણ નેતા નથી તે વાસ્તવિકતા પણ AAP માટે મજબૂત પરિબળ બની રહી છે.
2014 અને 2019 બંને લોકસભા ચૂંટણીઓમાં AAP સારો દેખાવ કરી શક્યો નહોતો, પણ દિલ્હીના મતદારોમાં તેનું સ્થાન જળવાઈ રહ્યું છે. 2013માં પ્રથમ ચૂંટણીમાં AAP એકલા હાથે સત્તા મેળવી શક્યો નહોતો, પણ સૌથી વધુ 28 બેઠકો અને 29.5% મતો મળ્યા હતા. એકાદ વર્ષ પછી 2015માં ફરીથી ચૂંટણી આવી ત્યારે જંગી બહુમતી સાથે AAPની સરકાર બની હતી. 54.3% મતો સાથે વિધાનસભાની 70 બેઠકોમાંથી 67 બેઠકો જીતી લીધી હતી.
ભાજપ દિલ્હીની ચૂંટણી પણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર લડી રહ્યું છે - નાગરિકતા કાયદામાં સુધારો, કલમ 370ની નાબુદી, ત્રિપલ તલાક પર પ્રતિબંધ અને અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સમર્થન જેવા મુદ્દા આધાર બન્યા છે. જોકે છેલ્લે રાજ્યોમાં થયેલી ચૂંટણીઓ દર્શાવે છે તે રીતે લોકો સ્થાનિક કક્ષાના અને શહેરને સ્પર્શતા મુદ્દાઓને ધ્યાનમાં લઈને મતદાન કરશે તેમ લાગે છે.
છેલ્લા પાંચ વર્ષમાં પોતાની સરકાર દ્વારા કેવા કાર્યો થયા છે તેના પર જ પ્રચાર કેન્દ્રીત કરવાનું AAP માટે સાનુકૂળ થઈ રહેશે. હરિયાણા અને ઝારખંડમાં મતદારોએ રાષ્ટ્રીય નહિ, પણ રાજ્યોને સ્પર્શતા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ મતદાન કર્યું હતું. મને લાગે છે કે દિલ્હીના મતદારો પણ રાષ્ટ્રીય મુદ્દાઓ નહિ, દિલ્હી શહેરના વહિવટના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે.
રાજ્યોના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન થાય તે AAP માટે ફાયદાકારક છે, કેમ કે કેજરીવાલ સરકારના કાર્યો માટે દિલ્હીમાં સમર્થન જણાય છે. દિલ્હી સરકારની યોજનાઓને કારણે સીધો જ લાભ મળ્યો હોય તેના આધારે મતદાન થશે તેવું સર્વેના ડેટામાં જોવા મળી રહ્યું છે.
CSDS દ્વારા થયેલા અભ્યાસોમાં જોવા મળ્યું છે કે દિલ્હીના મતદારો કેન્દ્રમાં મોદી સરકારે કરેલા કાર્યોના બદલે, દિલ્હીમાં AAP સરકારે કરેલા કામોને જોઈને મતદાન કરવાનું વધારે પસંદ કરશે. લગભગ 55% ઉત્તરદાતાએ કહ્યું કે તેઓ દિલ્હીમાં AAP સરકારના કામના આધારે મત આપશે, જ્યારે માત્ર 15%એ કહ્યું મોદી સરકારના કાર્યોને ધ્યાને રખાશે.
CSDSના દિલ્હી ગવર્નન્સ સર્વેમાં AAP સરકારની કામગીરી માટે મતદારોમાં સંતોષનું પ્રમાણ ઘણું જોવા મળ્યું હતું. જોકે કેન્દ્ર સરકારની કામગીરી માટે તેનાથીય વધુ સંતોષ વ્યક્ત થયો હતો, પરંતુ હરિયાણા અને ઝારખંડની જેમ તેના કારણે ભાજપને મતો મળે તેમ લાગતું નથી.
કેન્દ્ર સરકારની કામગીરીથી સંતુષ્ટ હોય તેવા મતદારોમાં પણ AAP સરકારની લોકપ્રિયતા હોય તેવું સર્વેમાં જોવા મળ્યું છે. મોદી સરકારની છ મહિનાની કામગીરી માટે સંતોષ વ્યક્ત કરનારા પાંચમાંથી બેથીય વધુ મતદારો AAP તરફી મતદાન તરફ ઝોક ધરાવતા હતા.
એન્ટી-ઇન્કમબન્સીના અભાવનો ફાયદો પણ AAPને મળી રહ્યો છે. લોકો મોટા ભાગે સંતુષ્ટ જણાય છે અને AAP સરકાર સામે ખાસ અસંતોષ જણાતો નથી. 2019ની લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં ભાજપને 58% મતો મળ્યા હતા અને કેન્દ્ર સરકારની લોકપ્રિયતા પણ હતી, તેમ છતાં ખટ્ટર સરકાર સામે એન્ટી-ઇન્કમબન્સી ઊભી થઈ હતી અને તેના કારણે ભાજપને પૂર્ણ બહુમતી મળી નહોતી.
એ જ રીતે ઝારખંડમાં લોકસભા ચૂંટણી વખતે ભાજપ અને આજસુને સંયુક્ત રીતે 55.3% મતો મળ્યા હતા, જે વિધાનસભાની ચૂંટણી વખતે ઘટી ગયા હતા. ભાજપના મુખ્ય પ્રધાન રઘુબર દાસ સામે, ખાસ કરીને આદિવાસીઓમાં નારાજગીને કારણે ભાજપને માત્ર 22 ટકા મતો મળ્યા હતા.
કેન્દ્રની મોદી સરકારની લોકપ્રિયતા હોવા છતાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ભાજપની રાજ્ય સરકારો સામે એન્ટી-ઇન્કમબન્સી ઊભી થઈ હતી તે પણ ભૂલવું જોઈએ નહિ. આ બાબતમાં AAP સરકાર મુશ્કેલીમાં હોય તેવું લાગતું નથી.
એ નોંધવું પણ અગત્યનું છે કે હાલમાં ચૂંટણીઓ પક્ષો કરતાં વ્યક્તિગત નેતાની લોકપ્રિયતા પર કેન્દ્રીત થઈ છે, ત્યારે તે બાબતમાં પણ AAP દિલ્હીમાં બીજા પક્ષો કરતાં ફાયદામાં છે. દિલ્હીમાં કેજરીવાલની લોકપ્રિયતાની સામનો કરી શકે તેવો કોઈ નેતા ભાજપ પાસે નથી. દિલ્હીમાં ભાજપ પાસે નેતાઓ ઘણા છે, પણ કેજરીવાલની તોલે આવી શકે તેમ નથી. તેથી ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ કરીને જ ચૂંટણી લડી રહ્યો છે.
દિલ્હીના મતદારોમાં નરેન્દ્ર મોદી એટલા જ લોકપ્રિય છે, પરંતુ દિલ્હી ગર્વનન્સ સર્વેના તારણો અનુસાર સ્થાનિક ધોરણે કેજરીવાલની લોકપ્રિયતા તેમના કરતાં 10 ટકા જેટલી વધુ છે. આ રીતે કેજરીવાલ સામે મોદીનો ચહેરો ઘરવામાં આવે તો પણ કેજરીવાલ ફાયદામાં જણાય છે.
8 ફેબ્રુઆરીએ મતદાન આડે હવે થોડા દિવસો રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં હવા ફરી પણ શકે છે, પરંતુ જો AAPના નેતાઓ ચર્ચાને દિલ્હીના સ્થાનિક મુદ્દાઓ પર જ કેન્દ્રીત રાખવામાં સફળ રહેશે તો તેમના માટે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં ફરી સફળતા મેળવવી અઘરી નહિ હોય.
*સંજય કુમાર, સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) ખાતે પ્રોફેસર છે. અહીં વ્યક્ત થયેલા વિચારો તેમના અંગત છે.