કરદાતાઓના નાણાંમાંથી અમુક વર્ગ માટે રાહતો આપીને મફતમાં સેવા આપવાની વાતનો કેટલાક લોકો દ્વારા વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ આમ આદમી પક્ષ પોતાની કલ્યાણ યોજનાઓનો બચાવ કરે છે. દાયકાઓ પહેલાં કોંગ્રેસે “રોટી કપડા ઔર મકાન”નો નારો આપીને પ્રજાને મૂળભૂત સુવિધાઓ આપવાની જ વાત કરી હતી. અરવિંદ કેજરીવાલે તેમાં વીજળી, રસ્તા અને પીવાના પાણીનો (બીજલી, સડક ઔર પાનીનો) ઉમેરો કર્યો છે.
2015ની વિધાનસભાની ચૂંટણી વખતે AAP દ્વારા દિલ્હીના લોકોની આર્થિક સ્થિતિ વિશે વ્યાપક અભ્યાસ કર્યો હતો. સર્વેમાં ખ્યાલ આવ્યો હતો કે દિલ્હીની 10 ટકા વસતિ એટલે કે લગભગ 17 લાખ મતદારો મહિને 10,000થી ઓછા કમાય છે. 20 ટકા વસતિની કમાણી 10,000થી 30,000 વચ્ચેની છે. તેથી જ AAP દ્વારા વચન અપાયું કે પાણીવેરો અડધો કરી દેવાશે, મફત વીજળી આપવામાં આવશે અને મહિલા મુસાફરોને સિટિ બસમાં મફત પ્રવાસ કરવા દેવાશે. આ પ્રકારના વાયદાઓને કારણે જ વિધાનસભાની તે વખતની ચૂંટણીમાં આમ આદમી પક્ષને 70માંથી 67 બેઠકો મળી ગઈ હતી અને આ વખતની બીજી ચૂંટણીમાં પણ એટલું જ સારું પરિણામ આવ્યું.
દર 12,000ની વસતિ વચ્ચે એક એવી 400 મહોલ્લા ક્લિનિક્સની યોજના બહુ જ લોકપ્રિય બની છે. દિલ્હીમાં સલામતીનો પ્રશ્ન મોટો છે, તેના કારણે દિલ્હીની બસોમાં ગાર્ડ્સ ગોઠવવામાં આવ્યા. આ માર્શલ્સના કારણે સ્ત્રીઓમાં સલામતીનો અહેસાસ જાગ્યો. સાથે જ સિટિ બસની મુસાફરી ફ્રી થઈ ગઈ, તેના કારણે દરેક કામ કરતી સ્ત્રીને મહિને 1,200થી 1,800 રૂપિયાની બચત પણ થવા લાગી.
પાણી વેરાના દર ઘટાડીને અડધા કરી દેવાયા અને સાથે જ 200 યુનિટથી ઓછી વીજળી વાપરવામાં આવે તો વીજળીનું બીલ માફ કરી દેવાયું. તેના કારણે જ ગરીબ માણસોનું દિલ જીતી લેવામાં આપને સફળતા મળી છે. મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા આ પરિવારોએ 2019માં ભાજપને સમર્થન આપ્યું હતું, પણ આ વખતની ચૂંટણીમાં તેમણે AAP માટે મતદાન કર્યું હતું. આ બે વર્ગના લોકોની સંખ્યા દિલ્હીમાં લગભગ 50 ટકા જેટલી થવા જાય છે.
અગાઉની ચૂંટણીના અનુભવને ધ્યાનમાં રાખીને AAP દ્વારા આ વખતે નવી યોજના વિચારવામાં આવી હતી. આ વખતે જાહેરાત કરાઈ હતી કે સિટિ બસોમાં મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે. આ જાહેરાત રાજકીય રીતે AAPને ફળી છે ખરી, પરંતુ તેના કારણે સરકારી તીજોરી પર બોજો આવશે. જોકે AAPના નેતાઓ આ યોજનાઓનો બચાવ કરતા કહે છે કે તે ગરીબ વર્ગના લોકો માટેની યોજનાઓ છે. આઝાદી પછીના છેલ્લા સાત દાયકામાં એકપક્ષી જ વિકાસ થયો છે ત્યારે AAP તેમાં સુધારો કરીને તેને વ્યાપક બનાવવા માગે છે.