કૃષ્ણમૂર્તિએ આ લક્ષ્યને પાર પાડવા માટે મૂડીરોકાણને જ મહત્વનું પરિબળ ગણાવ્યુ હતું. આ માટે આર્થિક સલાહકારે સરકાર અને ખાનગી ક્ષેત્રને વિકલ્પ તરીકે દર્શાવ્યા છે. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, " અમારુ ધ્યાન એવું મૉડલ રજુ કરવાની કોશિશ પર કેન્દ્રીત છે કે જેના આધારે વિકાસ દરમાં વધારો થાય. GDP 8 ટકાએ પહોંચે. તે માટે ખાનગી કંપનીઓ અને સરકાર માટે વિદેશથી મૂડી મેળવવાની તક છે. વિદેશી રોકાણ માટે વાતાવરણ ઉભુ કરવું જોઈએ". મીડિયા સાથે ખાસ વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે" આઠ ટકા આર્થિક વિકાસ દર મેળવવા માટે GDP માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટમાં 30 ટકાથી વધારે રોકાણ હોવું જરુરી છે. ચીનમાં આ રોકાણ 50 ટકાથી વધારે છે. ભારતે 35 ટકા જેટલુ રોકાણ કરવાની જરુર છે. હાલમાં તેનું પ્રમાણ 29.6 ટકા છે.
મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે પણ આ પ્રસંગે રોકાણને મહત્વપૂર્ણ બાબત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, " સૌથી મોટો સવાલ રોકાણની તકોનું સર્જન કરવાનું છે. બચત આર્થિક વિકાસનું મુખ્ય પ્રેરકબળ છે" તેમણે ભારતના અર્થતંત્રની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, " દુનિયાભરની અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થળ ઉજ્જવળ રહ્યું છે. દુનિયાના મજબુત અર્થતંત્રમાં ભારતનો વિકાસ દર વધુ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસનો ફાયદો મળ્યો છે અને આર્થિક રીતે સ્થિરતા મળી છે. દેશમાં ઉંચો વિકાસ દર રહ્યો છે. 2019-20માં ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકા રહેવાની સંભાવના છે"