સુરત: ક્રાઈમ બ્રાંચે એક જ દિવસે બે મોટા ઓપરેશન કરી બહારગામથી સુરતમાં ડ્રગ્સ ઠાલવવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. સચિનથી રૂપિયા 39.90 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે આરોપીને પકડી પાડી કુલ રૂપિયા 43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત, રાજસ્થાનથી સુરત એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા બે પેડલરોને રૂપિયા 29.86 લાખના 268 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાયા હતા. 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' કેમ્પેઇન ચલાવતી સુરત શહેર પોલીસે ડ્રગ્સ રેકેટની વધુ બે સિન્ડિકેટ પર તરાપ મારી હતી.
ઘટના એમ બની હતી કે, ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કતારગામના પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલા માધવ ચોકથી બનાસકાંઠાના રહેવાસી 23 વર્ષીય શરીફખાન હાજી ખાન નાયક ઉર્ફે જનકસિંહ ચૌહાણ અને 28 વર્ષીય ભરતભારથી અમૃતભારથી ગૌસ્વામીને પકડી પાડયા હતા. પોલીસે બંનેને ઝડપી લેતા સ્કૂલ બેગમાંથી 298.600 ગ્રામ વજનનો રૂપિયા 29.68 લાખની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બંને પાસેથી ૩ મોબાઈલ, લેપટોપ, ચાર્જર, રોકડા રૂપિયા 11 હજાર મળી કુલ રૂપિયા 27.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપી MD ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી સુરતમાં ડિલિવરી કરવા આવ્યા હતા. ઓછા સમયમાં પૈસાદાર થવા બંને ડ્રગ્સ પેડલર બની ગયા હતા. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર ગામનો મુકેશ ડ્રગ્સ સપ્લાયર છે. મુકેશ અને ભરતભારથી એકબીજાથી પરિચિત છે. સુરત પહોંચી મુકેશને કોલ કરી તે જણાવે તે વ્યક્તિને માલ પહોંચાડવાનો હતો. પરંતુ તે પહેલા જ બંને આરોપી પોલીસની ઝપટે ચઢી ગયા હતા. કાઈમ બાંચે ડ્રગ્સ સપ્લાયર મુકેશને વોન્ટેડ જાહેર કર્યો છે.
ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ રિતેશ નારાયણને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી સચિન નજીક લાજપોર ગામ અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસેથી સફેદ કલરની વોક્સ વેગન કાર (નં. જીજેપ આર.જે.7617) માં પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો લઈને જતા નવસારીનો રહેવાસી 30 વર્ષીય સુલેમાન ઇસ્માઇલ ભામજી અને ભાવનગરનો રહેવાસી 28 વર્ષીય શુભમ્ મહેશ સુમરાને પકડી પાડયો હતો.
પોલીસે બંને પાસેથી 1.330 ગ્રામ વજનનો 39.90 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો કબજે લીધો હતો. કાર, રોકડ રકમ, 3 મોબાઇલ મળી કુલ રૂપિયા 43.05 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હાઇબ્રિડ ગાંજો ડભોલીના યશ રાઠોડ સાથે સ્નેપચેટથી સંપર્કમાં રહી મંગાવ્યો હતો. યશ થાઈલેન્ડ દેશનો વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી ડ્રગ્સનો વેપલો કરે છે. યશ રાઠોડનો સાગરીત સુલેમાન અને શુભમને ગાંજો આપી ગયો હતો અને બંને જણા આ ગાંજો યંગસ્ટર્સને વેચવાની ફિરાકમાં હતા કે પોલીસના હાથે લાગી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે યશ રાઠોડ અને તેના સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલા બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ કીર્તિપાલ પુવાર ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: