સુરતઃ કામરેજ હાઈવે પર અવાર નવાર માર્ગ અકસ્માતો બનતા રહે છે. ફરીથી એકવાર કામરેજ હાઈવે પર નવી પારડી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં આઈશર ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું. કામરેજ પોલીસને જાણ થતાં જ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે ધસી આવ્યા અને વધુ તપાસ હાથ ધરી છે.
જીવલેણ અથડામણઃ કામરેજ પોલીસની હદમાં આવેલ નવી પારડી ગામ પાસે ફાઉન્ટન હોટલ નજીક હાઈવે ને.હા.નં-૪૮ પર ટ્રક નં.જીજે- ૧૮-એવી-૯૦૮૧ ઊભી હતી. આ ટ્રકની પાછળના ભાગે આઈશર ટેમ્પો નં.જીજે-૩-બીવાય -૮૮૨૮ ધડાકાભેર અથડાયો હતો. ટેમ્પાનાં કેબીનનું કચ્ચરઘાણ નીકળી જતાં ડ્રાયવર ચંદુલાલ કડસી અને ક્લિનર પ્રવિણભાઈ વાળા તેમાં દબાઈ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ડ્રાયવરનું કરુણ મૃત્યુ નીપજ્યું. જ્યારે ક્લિનર ઘાયલ અવસ્થામાં કેબીનની બહાર આવ્યો અને બીજી જ ક્ષણે બેભાન થઈ ગયો. કામરેજ ફાયર વિભાગની ટીમે ભારે જહેમતનાં અંતે કેબીનમાં દબાઈ ગયેલા ચાલકને બહાર કાઢયો હતો. બંનેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરનાં ડોક્ટરોએ ડ્રાઈવર ચંદુલાલને મૃત ઘોષીત કર્યો હતો. જ્યારે ક્લિનરનો બચાવ થયો હતો.
ટ્રાફિક જામઃ આ ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થળ પર ધસી આવેલ કામરેજ પોલીસે ગુનો નોંધી પરિસ્થિતિ પૂર્વવત કરી હતી. હાઈવે પર ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાતા ચાલકે ઉભી રાખી દીધી હતી. કલાકો વિતવા છતાં એનએચએઆઈના કર્મચારીઓએ ક્રેનની મદદથી આ ટ્રકને હાઈવેની સાઇડમાં ખસેડવાની તસ્દી લીધી ન હતી. તેથી આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનાને લઈને અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 1નું મોત થયું છે.હાલ પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે...નરેશભાઈ(જમાદાર, કામરેજ પોલીસ મથક, સુરત)