રાજકોટ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી મેચ 15 થી 19 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર સંસ્થાના હવાલે ત્રીજી ટેસ્ટ પહેલા રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ સ્ટેડિયમ કરવામાં આવશે.
નિરંજન શાહની ક્રિકેટ સેવા : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સ્ટેડિયમનું નામ BCCIના ભૂતપૂર્વ સચિવ નિરંજન શાહના નામ પર રાખવામાં આવશે. 15 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ એસસીએ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રાખવામાં આવશે. શાહે 1965/66 અને 1974/75 વચ્ચે સૌરાષ્ટ્ર માટે 12 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. તેમણે ક્રિકેટ વહીવટમાં પણ પોતાનો હાથ અજમાવ્યો અને લગભગ ચાર દાયકા સુધી SCA સચિવ હોવા ઉપરાંત, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના માનદ સચિવ તરીકે પણ સેવા આપી છે.
રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડની ત્રીજી મેચ : ભારત અને ઈંગ્લેન્ડ મેચ તેમના પુત્ર જયદેવ શાહ ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર ક્રિકેટર, SCA ના વર્તમાન પ્રમુખ છે. જયદેવે 2018માં રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેતા પહેલા 120 ફર્સ્ટ-ક્લાસ મેચ, 54 લિસ્ટ A અને 33 T20 મેચોમાં સૌરાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વર્તમાન પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર છે, જ્યાં ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ 28 રને જીતી હતી અને હવે ભારતે વિશાખાપટ્ટનમમાં બીજી મેચ 106 રને જીતી લીધી છે. ત્યારે ત્રીજી મેચ 15 થી 19 ફેબ્રુઆરી દરમિયાન રમાશે.
સ્ટેડિયમનું નામ બદલવાનો ઇતિહાસ : આ પહેલીવાર નથી જ્યારે સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું હોય. આ પહેલા પણ ઘણા સ્ટેડિયમના નામ બદલવામાં આવ્યા છે. દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ પહેલા ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ તરીકે જાણીતું હતું. તેવી જ રીતે અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અગાઉ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું.