રાજકોટ : સમગ્ર રાજકોટના આસ્થાના કેન્દ્ર એવા રામનાથ મહાદેવ મંદિર ખાતે દારૂના સોંગ સાથેની રીલ સોશિયલ મીડિયા વાઇરલ થઇ હતી. ત્યારે આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રીલ બનાવનાર ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દારૂના સોંગ સાથેની રીલ બનાવી : જ્યારે રાજકોટનું રામનાથ મહાદેવ મંદિરએ સૌ કોઈનું આસ્થાનું કેન્દ્ર છે. એવામાં અસામાજિક તત્વોએ અહી દારૂના સોંગ સાથેની રીલ બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા ઘણા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હતી. ત્યારે આ મામલે પોલીસે પણ તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.
પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ : રાજકોટના રામનાથ મહાદેવ મંદિર ખાતે હાલ મંદિરનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે. એવામાં આ મંદિરના દરવાજામાં કોઈ દિવસ લોક કરવામાં આવતું નથી ત્યારે સૌ કોઈ અહી દર્શન માટે આવતા હોય છે. એવામાં મંદિર ખાતે મયુર કુંભાર, શિવમ જાડેજા અને જયદીપ વાડોદરા નામના શખ્સોએ દારૂના સોંગ પર એક રીલ બનાવી હતી. ત્યારબાદ આ રીલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. જેને લઇને મંદિરના પૂજારી સહિતના લોકોના ધ્યાને આ વાત આવી હતી. જો કે રીલ વાઇરલ થતાં રામનાથ મહાદેવના ભકતોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને રામનાથ મહાદેવ મંદિરે રીલ બનાવનાર શખ્સોને પકડી પાડયાં હતાં.
15 દિવસ પહેલા બનાવી હતી રીલ : પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર રીલ લગભગ 15 દિવસ પહેલા આ ઈસમોએ બનાવી હતી. ત્યારે કોઈએ તેને વાઇરલ કરી દીધી છે. જ્યારે યુવાનોએ માત્ર મનોરંજન માટે જ આ પ્રકારની રીલ બનાવી હોવાનું જણાવ્યું હતું. પરંતુ લોકોના આસ્થાના કેન્દ્ર એવા રામનાથ મહાદેવ મંદિરની દીવાલ પર ચડીને દારૂના સોંગ પર રીલ બનાવની ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી છે.