નવી દિલ્હીઃ ભાજપે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ યાદી 195 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ સામેલ છે. ભાજપની સીઈસીની બેઠક ગત મોડી રાત સુધી દિલ્હીમાં ચાલી હતી. જો ગુજરાતના લોકસભા ઉમેદવારોની વાત કરવામાં આવે તો 10 ઉમેદવારોને ભાજપે રીપીટ કર્યા છે. જેમાં 2 મહિલા ઉમેદવારોને તક આપી છે. જ્યારે 5 સાંસદોનું પત્તુ કાપવામાં આવ્યું છે.
ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારોઃ ભાજપે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 15 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં કચ્છ બેઠક પર વિનોદ ચાવડા, બનાસકાંઠા બેઠક પર રેખા ચૌધરી, પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી, ગાંધીનગર બેઠક પર અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણા, રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા, પોરબંદર બેઠક પર મનસુખ માંડવીયા, જામનગર બેઠક પર પૂનમ માડમ, આણંદ બેઠક પર મિતેશ પટેલ, ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ બેઠક પર રાજપાલ સિંહ જાદવ, દાહોદ બેઠક પર જશવંતસિંહ ભાભોર, ભરૂચ બેઠક પર મનસુખ વસાવા, બારડોલી બેઠક પર પ્રભુભાઈ વસાવા અને નવસારી બેઠક પર ચોથી વખત સી આર પાટીલને ઉમેદવાર બનાવ્યા છે.
5 ઉમેદવારોની પત્તુ કપાયુંઃ ભાજપે આ વખતે ગુજરાતમાં જે 15 લોકસભા બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં 5 વર્તમાન સાંસદોનું પત્તું કાપી નાખ્યું છે. જેમાં બનાસકાંઠા બેઠક પર પરબત પટેલ, પોરબંદર બેઠક પર રમેશ ધડુક, અમદાવાદ પશ્ચિમ બેઠક પર કિરીટ સોલંકી, રાજકોટ બેઠક પર મોહન કુંડારિયા અને પંચમહાલ બેઠક પર રતનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. આ પાંચેય બેઠક પર ભાજપે ઉમેદવારો બદલ્યા છે.
અન્ય રાજ્યોની બેઠકોઃ ભાજપે ગુજરાત સિવાય ઉત્તર પ્રદેશના કુલ 51, પશ્ચિમ બંગાળના કુલ 26, મધ્ય પ્રદેશના કુલ 26, રાજસ્થાનના કુલ 15, કેરળના કુલ 12, તેલંગાણાના કુલ 9, અસમના કુલ 11, ઝારખંડના કુલ 11, છત્તીસગઢના કુલ 11, દિલ્હીના કુલ 5, કાશ્મીરના કુલ 2, ઉત્તરાખંડના કુલ 3, અરુણાચલ પ્રદેશના કુલ 2, ગોવાના કુલ 1, ત્રિપુરાના કુલ 1, અંદમાન-નિકોબારના કુલ 1, દિવ-દમનના કુલ 1 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં વડાપ્રધાન મોદી વારાણસી બેઠક પરથી ઉમેદવાર નિમવામાં આવ્યા છે.