સુરતઃ સુરત શહેરના કઠોર ગામની સીમમાં રાત્રિના સમયે કેળના ખેતર નજીક રહેતા યુવાન ઉપર કદાવર દીપડાએ હુમલો કરી આંખની ઉપર કપાળ પર પંજો માર્યો હતો. યુવાને પ્રતિકાર કર્યો હતો અને એક સાથે ત્રણ દીપડા નજીકના કેળના ખેતરમાં ભાગી ગયા હોવાનું જણાવ્યું હતું. ખેડૂતોએ રાત્રે બેટરીના પ્રકાશથી કેળના ખેતરમાં દીપડો દેખાયો હોવાનો વીડિયો કંડારી લીધો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કેવી રીતે બચ્યો યુવાન?
તાપી નદીના કિનારે આવેલા કઠોર ગામે ખેતરોમાં દીપડા વસવાટ કરતા હોવાની સ્થાનિકો અવારનવાર ફરિયાદ કરતા હોય છે. સુરતના કઠોર ગામે દીપડાએ યુવાન પર હુમલો કર્યો હતો. કઠોર ગામે આવેલી માન સરોવર સોસાયટી અને અમૃત સરોવર સોસાયટીની વચ્ચે રોડ પાસે લાલુ તિવારી પરિવાર સાથે રહે છે. લાલુ તિવારી સુરત મહાનગરપાલિકામાં ડ્રેનેજનું કામ કરે છે. મધ્યરાત્રીએ લાલુ તિવારી કામ માટે બહાર નીકળ્યો તે સમયે અચાનક કદાવર દીપડાએ તેના હુમલો કરતા આંખની ઉપર કપાળના ભાગે દીપડાએ પંજો માર્યો હતો.
લાલુએ પ્રતિકાર કર્યો, તેણે કહ્યું કે તેણે તે કદાવર દીપડાને ધક્કો મારી ફેંકી પોતાનાથી દૂર ફેંકી દીધો. જોકે તે પછી દીપડો નજીકના કેળના ખેતરમાં ભાગી ગયો હતો. જોકે, ખેતરમાં તેને એક સાથે ત્રણ દીપડા નજરે પડ્યા હતા. લાલુએ જાણે મોત સામે જોયું હોય પણ આખરે તેની હિંમતને કારણે તે બચી ગયો. આ પછી ત્યાં ખેડૂત સહિતના લોકોએ બેટરીના પ્રકાશ વડે કેળના ખેતરમાં દીપડા ફરતા જોયા હતા. જે પછી તેમણે પોતાના કેમેરામાં દીપડાને કંડારી લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. લાલુ ઉપર થયેલા દીપડાના હુમલા અંગે કામરેજ વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી નદીના કિનારાના ગામોમાં દીપડાની વસ્તી સતત વધતી જાય છે.
માંડવી તાલુકામાં દીપડા માનવભક્ષી બન્યા બાદ કામરેજના સુરત શહેરના ગામોમાં પણ દીપડા શિકારના શોધમાં રહેણાંક વિસ્તારોમાં જઈ પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ તાપી નદી કિનારાના માછી ગામમાં પણ દીપડો પશુપાલકની બકરીનો શિકાર કરી ગયો હતો.