ભાવનગર: ફાગણ માસનો પ્રારંભ અને ગરમીની શરૂઆત સાથે જ ઘરમાં મરી મસાલા ભરવાનો પ્રારંભ થાય છે. ભાવનગર શહેરના નારી ચોકડીથી આગળ નારી ગામે અને ટોપ થ્રી નજીક મરચા અને અન્ય મસાલાઓ વેચનારાઓના મંડપમાં મહિલાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. મહિલાઓ મોટી સંખ્યામાં વર્ષના મરી મસાલા ભરવા માટે પહોંચી રહી છે. સારી બાબત એ છે કે ગત વર્ષ કરતા ભાવમાં થોડીક રાહત થતા ગૃહિણીઓના ચહેરા ઉપર મુસ્કાન જોવા મળી રહી છે.
ગુજરાતમાં વર્ષોથી પરંપરા રહી છે કે ગૃહિણીઓ દ્વારા ઉનાળાના પ્રારંભ થતાં જ વર્ષના મસાલાઓ ભરી લેવામાં આવતા હોય છે. ત્યારે ભાવનગરમાં મરી મસાલા વેચનારાઓના મંડપ લાગી ચૂક્યા છે. સવાર, બપોર અને સાંજ ગૃહિણીઓ અહીં ખરીદી કરવા પહોંચી રહી છે. દરેક ઘરમાં મરચા હળદર ધાણાજીરૂ વગેરેને લઈને પોતાની પસંદ હોય છે તે પ્રમાણે ગૃહિણીઓ ખરીદી કરતી નજરે પડતી હતી.
ગૃહિણીઓએ શું કહ્યું ?
ભાવનગર શહેરમાં અલગ પ્રકારના આવતા મરચાના ભાવને લઈને ગૃહિણીઓના ચહેરા ઉપર મીઠી મુસ્કાન જોવા મળતી હતી. આ મુસ્કાન પાછળનું કારણ ગૃહિણીઓએ જાતે જણાવ્યું હતું. ત્યારે રીટાબેન રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ગયા વર્ષ વધારે ભાવ હતો. આ વર્ષે મરચાનો ઓછો ભાવ છે. કાશ્મીરીનો 900 રૂપિયા હતો એ આ વર્ષે 500 રૂપિયા થયો છે. ધાણામાં એવુંનું એવું છે. હળદરમાં 30થી 40 રૂપિયા વધી ગયા છે.
જયશ્રીબેને જણાવ્યું હતું કે ભાવમાં મીડીયમ છે. ગયા વર્ષ કરતા સારો ભાવ છે. કાશ્મીરી મરચાના કિલોના ભાવ 500 રૂપિયા છે. કાશ્મીરી મરચું લીધું છે.બજાર ભાવ છે. હળદર એકના ભાવ વધ્યા છે જે 280 સુધી ભાવ છે બીજું બધું બરોબર છે.
મરી મસાલાના ભાવમાં ઘટાડો:
મરી મસાલા વેચનાર લક્ષ્મીબેને જણાવ્યું હતું કે 17 વર્ષથી અમે મરી મસાલાનો ધંધો કરીયે છીએ. ભાવ ઘટી ગયા હોવાથી અત્યારે બજારમાં લેવા માટે પણ સારું છે. અમે કોઈ ભેળસેળ નહીં કરતા. કાશ્મીરી મરચામાં ભાવ ઘટ્યા છે, કિલોના 300 રૂપિયા છે અને બધામાં 50 રૂપિયા ઓછા છે. મરચામાં ગોંડલ પટ્ટામાં થોડા ઊંચકાણા છે, પણ મારવાડી, કાશ્મીરી બધામાં નીચા ઉતર્યા છે. હળદરમાં થોડા 280 ભાવ છે. મરચાના 250થી 500 સુધીમાં છે. ધાણાજીરુંના 370, ધાણીમાં 180, ધાણા 150 છે.