બનાસકાંઠા: બનાસકાંઠામાં અમીરગઢના ખુણીયા ગામે રાજસ્થાનની સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ અને બોલેરો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે બાળકો સહિત પાંચ લોકોના કરુણા મત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરો ગાડીનો ફુરચો બોલી ગયો હતો. જેથી જેસીબીની મદદથી મૃતકોની લાશને બહાર કાઢવા માટે મથામણ કરવી પડી હતી.
3 બાળકોને અમદાવાદ ખસેડાયા
આજે અમીરગઢના ખુણીયા ગામ નજીક રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે બે બાળકો બે મહિલાઓ સહિત કુલ પાંચ લોકોના કરુણ મોત થયા હતા. જોકે આ અકસ્માતમાં ઘાયલ થયેલા 10 જેટલા લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પાલનપુર સિવિલમાં વેન્ટિનેટર ઉપર અને બાદમાં તેમની તબિયત વધુ લથડાતા તાત્કાલિક ઓક્સિજન સાથે અમદાવાદ ખસેડાયા હતા.
મૃતકો વિરમપુર ગામના રહેવાસી
અકસ્માતની જાણ થતા અમીરગઢ પોલીસ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળીને તાત્કાલિક જ 108 ની મદદથી તમામ ઇજાગ્રતોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ બોલેરો ગાડીમાં સવારે લોકો અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામના રહેવાસી છે.
JCBની મદદથી લાશો બહાર કાઢાઈ
અકસ્માત બાદ બોલેરો ગાડીનું પડીકું વળી જતા જેસીબીની મદદ લેવી પડી હતી અને મૃતકોની લાશોને અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવા ભારે મથામણ કરવી પડી હતી. બસ અને બોલેરો ગાડી વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ લોકોનું પ્રાણ પંખેરુ ઉડી જતા પંથકમાં શોકનું મોજુ ફરી મળ્યું હતું.
અકસ્માતની ઘટનામાં મૃતકોના નામ
1. દિલીપ મુગળાભાઈ ખોખરીયા - 32 વર્ષ
2. સુંદરીબેન ભગાભાઈ સોલંકી - 60 વર્ષ
3. મેવલીબેન દિલીપભાઈ - 28 વર્ષ
4. રોહિતભાઈ દિલીપભાઈ ખોખરીયા - 6 વર્ષ
5. ઋત્વિક દિલીપભાઈ ખોખરીયા - 3 વર્ષ
આ પણ વાંચો: